
સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યભરના પોલીસ જવાનોમાં ખેલદિલી, ઉત્સાહ અને શારીરિક ફિટનેસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પોલીસ વિભાગના યજમાનપદે 'ડીજીપી કપ 2026' ઓલ ગુજરાત પોલીસ સાયકલ સ્પર્ધા યોજાઈ હતી. રમતગમત મહોત્સવમાં રાજ્યભરની 22 પોલીસ ટીમોના અંદાજિત 450 થી વધુ ખેલાડીઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રામભાઈ ગોજીયાએ કાયદો અને વ્યવસ્થા સંભાળવાની સાથે-સાથે ખેલકૂદ ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેમણે સમગ્ર પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યું છે.
DGP કપ 2026 અંતર્ગત યોજાયેલી સાયકલિંગ સ્પર્ધામાં રામભાઈ ગોજીયાએ અડગ મનોબળ, ઉત્કૃષ્ટ સ્ટેમિના અને અદ્દભૂત ગતિશીલતાનું પ્રદર્શન કરતા આ 40 કિલોમીટરની લાંબી સાયકલ રેસ માત્ર 49 મિનિટ જેવા ટૂંકા સમયમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આટલી ઝડપથી અંતર કાપી તેમણે અસાધારણ શારીરિક ક્ષમતા અને ખેલકૂદ પ્રત્યેના સમર્પણની પ્રતીતિ કરાવી છે.
રાજ્યભરના સવાયા સાયકલિસ્ટો રામભાઈ ગોજીયાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરીને એક સીમાચિહ્ન સર કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે