
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : વિસનગર શહેરમાં પાણીનો બગાડ અટકાવવા નગરપાલિકા દ્વારા ગુરુવારથી ખાસ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવશે. શહેરના 8 પાણીના ઝોનમાં પાણી વિતરણના સમયે ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. પાણીનો બગાડ કરતા લોકો સામે તબક્કાવાર કાર્યવાહી કરવાની નગરપાલિકાએ તૈયારી કરી છે.
ચેકિંગ દરમિયાન પ્રથમ વખત પાણીનો બગાડ કરતા જણાશે તો સંબંધિત વ્યક્તિને કડક સૂચના આપવામાં આવશે. તેમ છતાં સૂચના બાદ પણ પાણીનો બગાડ ચાલુ રાખવામાં આવશે તો પાણીનું કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે.
અભિયાન માટે નગરપાલિકા દ્વારા 3 ખાસ ટીમો બનાવવામાં આવી છે. દરેક ટીમમાં 4 કર્મચારી અને 1 પ્લમ્બરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમો પાણી વિતરણના સમય દરમિયાન અલગ-અલગ ઝોનમાં ફરીને પાણીના ઉપયોગ અને બગાડની તપાસ કરશે.
નગરપાલિકા તંત્રના જણાવ્યા મુજબ શહેરમાં પાણીના મર્યાદિત જથ્થાનો યોગ્ય ઉપયોગ થાય અને બિનજરૂરી પાણીનો બગાડ અટકાવી શકાય તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને પ્રમુખ આશાબેન પટેલની સૂચના મુજબ ગુરુવારથી ચેકિંગ શરૂ થશે.
ચેકિંગ દરમિયાન પાણીનો બગાડ, બિનજરૂરી રીતે નળ ખુલ્લા રાખવા સહિતની બાબતો અંગે ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. પાણીના યોગ્ય ઉપયોગ માટે નગરજનોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR