
- વર્ગખંડથી વિશ્વફલક સુધી શિક્ષણમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ
અમરેલી, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : અમરેલીના શિક્ષક કેવલ મહેતા છેલ્લા ૧૧ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમના માટે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને ઓળખી તેને યોગ્ય મંચ આપવાનું માધ્યમ છે. ગામડાની સરકારી શાળાઓમાં મર્યાદિત સંસાધનો વચ્ચે પણ વિદ્યાર્થીઓ અનેક નવતર પ્રયોગો કરે છે. આવા પ્રયોગોને સમાજ સુધી પહોંચાડવાના હેતુથી તેમણે ‘શિક્ષાસ્ટોરીઝ’ નામનું ડિજિટલ માધ્યમ શરૂ કર્યું છે.
‘શિક્ષાસ્ટોરીઝ’ દ્વારા ગ્રામ્ય વિદ્યાર્થીઓના અવનવા પ્રયોગો, જીવનસંઘર્ષ અને પ્રેરણાદાયી શિક્ષણયાત્રાઓને વીડિયો અને રિલ્સના માધ્યમથી લાખો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયેલા નવતર હેલ્મેટના વિચારથી લઈને ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીના વિમાન ઉડાડવાના સ્વપ્ન સુધીની અનેક પ્રેરણાદાયી કહાનીઓને આ માધ્યમ દ્વારા ઓળખ મળી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે પણ શ્રી મહેતા સતત કાર્યરત રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષથી તેઓ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મક વિચારસરણી અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસે તેવા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો સાથે જોડાયેલા છે.
તેમના મતે, “શિક્ષકનું કાર્ય માત્ર ભણાવવાનું નથી, પરંતુ વિદ્યાર્થીની અંદર રહેલી શક્તિને ઓળખી તેને વિચારવાની, પ્રશ્ન પૂછવાની અને કંઈક નવું સર્જવાની તક આપવાનું છે.”
તાજેતરમાં કેવલ મહેતાએ આફ્રિકાના યુગાન્ડાની શાળાઓની મુલાકાત લઈ ત્યાંની શિક્ષણ પદ્ધતિ, વિદ્યાર્થીઓના પડકારો અને નવીન શૈક્ષણિક પહેલોનો અભ્યાસ કર્યો હતો. વિવિધ સંવાદ અને પરિસંવાદોમાં તેમણે ભારતની શિક્ષણપદ્ધતિ તથા ભારતીય શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રયોગો વિશે માહિતી આપી હતી. સાથે જ આફ્રિકાની શાળાઓમાં જીવનકૌશલ્ય આધારિત શિક્ષણ અંગે અનુભવનું આદાન-પ્રદાન કર્યું હતું.
આફ્રિકામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્થાનિક શાળાના ૧૦૦ બાળકો સાથે ૧૦૦ સંકલ્પો લેવડાવી પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા બાળકો માટે વિચારસ્પર્ધાનું આયોજન કરી તેમણે વિદ્યાર્થીઓને આસપાસની સમસ્યાઓના સર્જનાત્મક ઉકેલો શોધવા પ્રેરિત કર્યા.
અમરેલીથી શરૂ થયેલી કેવલ મહેતાની શિક્ષણયાત્રા આજે આફ્રિકા સુધી પહોંચી છે. વિદ્યાર્થીઓની પ્રતિભાને મંચ, શિક્ષણમાં નવીનતા અને વૈશ્વિક સ્તરે જ્ઞાનના આદાન-પ્રદાનની આ પહેલ શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સૌ માટે પ્રેરણારૂપ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai