કામરેજની રામ કબીર હાઇસ્કૂલના આચાર્ય શૈલેષભાઈ દેસાઈને 'રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય-2026'નો સર્વોચ્ચ એવોર્ડ
સુરત, 05 સપ્ટેમ્બર (હિ.સ.): શિક્ષણ જગતમાં નિષ્ઠા, નવીનતા અને મૂલ્યનિષ્ઠ નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતા સુરત જિલ્લાના કામરેજ સ્થિત ‘ રામ કબીર હાઇસ્કૂલ’ના આચાર્ય શૈલેષ એમ. દેસાઈને ''ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય-2026''ના સર્વોચ્ચ એવોર્ડથી નવ
Shri Ram Kabir High School


સુરત, 05 સપ્ટેમ્બર (હિ.સ.): શિક્ષણ જગતમાં નિષ્ઠા, નવીનતા અને મૂલ્યનિષ્ઠ નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતા સુરત જિલ્લાના કામરેજ સ્થિત ‘ રામ કબીર હાઇસ્કૂલ’ના આચાર્ય શૈલેષ એમ. દેસાઈને 'ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય-2026'ના સર્વોચ્ચ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વર્ષ 1995થી શિક્ષણ ક્ષેત્રે સેવારત શૈલેષભાઈ દેસાઈએ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન અને આત્મવિશ્વાસ વધારવા માટે અનેક ક્રાંતિકારી પહેલો કરી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ભય દૂર કરતી સમગ્ર રાજ્યની પ્રથમ 'મોડેલ બોર્ડ ટેસ્ટ'ના આયોજનથી લઈને શાળાને સુરત જિલ્લાની 'શ્રેષ્ઠ શાળા'નો બહુમાન અપાવવા સુધીનું તેમનું યોગદાન અપ્રતિમ રહ્યું છે. તેમના સમર્પિત નેતૃત્વમાં રામ કબીર હાઇસ્કૂલે શિક્ષણ, વિજ્ઞાન અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનોખી ઓળખ ઊભી કરી છે.

આ ગૌરવશાળી સિદ્ધિ અંગે વાત કરતા આચાર્ય શૈલેષભાઈ દેસાઈ જણાવે છે કે, આજના આધુનિક સમયમાં જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યાં આ શાળા બાળકોને ભારતીય મૂલ્યોનું ભાથું પીરસે છે. દર વર્ષે 14મી ફેબ્રુઆરીએ 'વેલેન્ટાઇન્સ ડે'ના બદલે શાળામાં ‘માતૃ-પિતૃ પૂજન દિવસ’ ઉજવી બાળકો પોતાના માતા-પિતાનું ઋણનો સ્વીકાર કરે છે. સંસ્કારોની સાથોસાથ શૈક્ષણિક પરિણામોમાં પણ સુરત જિલ્લામાં સૌથી વધુ A1 ગ્રેડ આપતી આ એકમાત્ર શાળા છે. વર્ષ 2025-26માં શાળાના 23 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ અગાઉના વર્ષોમાં પણ શાળાના વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત ‘કલા મહાકુંભ’ અને ‘યુવા ઉત્સવ’ જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શાળાના બાળકો રાજ્ય કક્ષા સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.

આચાર્ય શૈલેષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ વખત સુરત જિલ્લાના કામરેજ અને પલસાણા તાલુકામાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા ‘મોડેલ બોર્ડ ટેસ્ટ’નું સરાહનીય આયોજન કરાયું છે. આ અનોખી પહેલમાં બોર્ડની મૂળ પરીક્ષા પદ્ધતિ મુજબ જ અધિકૃત ઉત્તરવહીઓ, બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકરનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને વાસ્તવિક પરીક્ષાનો માહોલપૂરો પાડવામાં આવે છે. નિષ્ણાત પેપર સેટરો દ્વારા તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો અને તજજ્ઞ શિક્ષકો દ્વારા કરાતા સચોટ મૂલ્યાંકનથી બાળકોને પોતાની તૈયારીઓનું સાચું આંકલન થાય છે. પરીક્ષા બાદ બોર્ડની તર્જ પર પરિણામ જાહેર કરાય છે, જેમાં રામ કબીર શાળા સહિત અન્ય શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને વાલીઓ, શિક્ષકો અને આચાર્યઓની હાજરીમાં પ્રોત્સાહિત કરાય છે. આ ક્રાંતિકારી પહેલથી વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રત્યે ભયમુક્ત બની પૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરવા સક્ષમ બને છે.

આ સાથે શાળાના વિદ્યાર્થીઓનું એક્સપોઝર પણ વૈશ્વિક કક્ષાનું રહ્યું છે. શાળાના બે વિદ્યાર્થીઓએ ISRO (અમદાવાદ) ખાતે સાપ્તાહિક શિબિરમાં વૈજ્ઞાનિકો સાથે કામ કરીને વિજ્ઞાનનું ગહન જ્ઞાન મેળવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2024-25 દરમિયાન સુરત જિલ્લાની 1200 શાળાઓમાંથી રામ કબીર હાઇસ્કૂલની દીકરીની પસંદગી ‘એક દિવસીય MLA’ તરીકે થઈ હતી. તેણે ગુજરાત વિધાનસભામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું એમ આચાર્ય દેસાઈએ ઉમેર્યું હતું.

આચાર્ય શૈલેષભાઈ દેસાઈના સમર્પિત નેતૃત્વના પરિણામે શાળા અને તેમને વ્યક્તિગત રીતે અનેક રાજ્ય અને જિલ્લા કક્ષાના સન્માનો પ્રાપ્ત થયા છે. 2020-21માં સુરત જિલ્લાની 'શ્રેષ્ઠ શાળા'નો એવોર્ડ, 2022માં સુરત જિલ્લાના 'શ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે, આ સાથે 2023માં ગુજરાત રાજ્યના 'શ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ પણ આ શાળાને મળ્યો છે. 2025-26માં છેલ્લા 5 વર્ષમાં બીજી વખત સુરત જિલ્લાની 'શ્રેષ્ઠ શાળા'નો એવોર્ડ અને 2026માં ગુજરાત રાજ્યના 'શ્રેષ્ઠ આચાર્ય' નો સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત થયા છે.

આચાર્ય શૈલેષભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની વિદ્યાર્થીહિતલક્ષી અમલમાં મુકાયેલી 'બેસ્ટ ઓફ ટુ' પોલિસીનો રામ કબીર શાળાએ સકારાત્મક ઉપયોગ કર્યો છે. શાળાની બે દીકરીઓએ 88 ટકા પરિણામ આવ્યા બાદ ફરી પરીક્ષા આપીને 91 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે આવી પ્રેરણાદાયી નીતિઓ બાળકોને પોતાનું ઉત્કૃષ્ટ ભવિષ્ય ઘડવા માટે નવું બળ પૂરું પાડે છે.

પોતાની આ સિદ્ધિઓનો શ્રેય શાળાના કર્મયોગી શિક્ષકો, ટ્રસ્ટી મંડળ અને વાલીઓને આપતા આચાર્ય જણાવે છે કે, સૌના સામુહિક સહકારથી જ આ શાળા રાજ્યભરમાં એક અનોખી સંસ્થા તરીકે ઊભરી શકી છે. શિક્ષક દિનના આ પ્રસંગે તેમનું આ પ્રદાન સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande