

પાટણ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ-સિદ્ધપુર હાઇવે પર વનાસણ ગામના બસ સ્ટેન્ડ નજીક સ્વિફ્ટ કાર અને મુસાફરો ભરેલી ઇકો ગાડી વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ ઇકો ગાડી ડિવાઇડર સાથે અથડાઈ હતી, જ્યારે સ્વિફ્ટ કાર ડિવાઇડર કટમાંથી સાઇડ રોડ પર જઈ ભટકાઈ હતી.
મળતી માહિતી મુજબ, પાટણ તરફથી એક પરિવાર સ્વિફ્ટ કારમાં હોસ્પિટલથી પરત ફરી રહ્યો હતો. દરમિયાન વનાસણ ગામમાંથી લોકાચાર પતાવી મુસાફરો સાથે પુનાસણ તરફ જઈ રહેલી ઇકો ગાડી સાથે ટક્કર થઈ હતી.
અકસ્મતમાં ઇકો ગાડીમાં સવાર 5થી 6 મહિલાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ બસ સ્ટેન્ડ પરના મુસાફરો અને આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને બંને વાહનોમાંથી લોકોને બહાર કાઢી ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડ્યા હતા.
અકસ્મતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ