

- નાગરિકો માટીના ગણપતિ બનાવી પૂજન-અર્ચન માટે ઘરે લઈ જઈ શકશે
- વન–પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે GPCB ગાંધીનગર ખાતે ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ સ્ટોલનું ઉદ્ઘાટન: રાજ્ય મંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્થિતિ*
ગાંધીનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા “બાપ્પા માટીના, ઉત્સવ પર્યાવરણનો” સંકલ્પ થકી ગણેશોત્સવ નિમિત્તે ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સોમવારે ગાંધીનગર સ્થિત GPCB વડી કચેરી ખાતે આયોજિત વિશેષ સ્ટોલ અને વર્કશોપનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવીણ માળી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉદ્ઘાટન દરમિયાન મંત્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ જાતે માટીમાંથી ગણેશજીની પ્રતિમા કંડારી હતી તેમજ સ્થાનિક કલાકારો પાસેથી મૂર્તિ નિર્માણની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સુંદર પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, ગણેશોત્સવ એ આપણી આસ્થા, શ્રદ્ધા અને ઉમંગનું પર્વ છે. પરંતુ પી.ઓ.પી.ની મૂર્તિઓ અને રાસાયણિક રંગોથી જળાશયો તથા પર્યાવરણને થતું નુકસાન અટકાવવું એ આપણી સૌની જવાબદારી છે. આથી માટીના ગણેશજીની સ્થાપના અને પ્રાકૃતિક રીતે વિસર્જન કરીને આપણે ભક્તિની સાથે પ્રકૃતિનું પણ જતન કરી શકીએ છીએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પીઓપી આધારિત મૂર્તિઓ સામે પર્યાવરણમિત્ર વિકલ્પ માટે આધુનિક પદ્ધતિ અને પરંપરાનો સમન્વય જરૂરી છે. આ પ્રક્રિયાને ઝડપી અને પ્રમાણિત બનાવવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) મારફતે યોગ્ય ડિઝાઇન તથા મોલ્ડ વિકસાવવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. મૂર્તિના વિવિધ ભાગોનું મોલ્ડિંગ કરીને સરળતાથી એસેમ્બલ કરી શકાય તેવી પદ્ધતિ અમલમાં લાવીને ગણેશજીની પ્રતિમા વધુ ઝડપી અને આકર્ષક બનાવી શકાશે.
રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, GPCBની આ પહેલને સોશિયલ ઇન્ફ્લુએન્સર્સના માધ્યમથી વધુમાં વધુ ભક્તો સુધી પહોંચાડીને વ્યાપક જાગૃતિ લાવવામાં આવશે. રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયત સ્તરે ચોક્કસ SOP દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવશે, જેથી પર્યાવરણના રક્ષણ સાથે સ્થાનિક કારીગરોને મોટા પાયે આજીવિકા મળી રહે.
આ અભિયાન અંતર્ગત GPCB ખાતે તા. ૭ થી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન તમામ નાગરિકો, યુવાનો અને બાળકો માટે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નિષ્ણાંત કલાકારોના માર્ગદર્શન હેઠળ તેઓ પોતાના હાથે કુદરતી માટીમાંથી ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવી શકશે અને તેને વિનામૂલ્યે પોતાના ઘરે સ્થાપના તથા પૂજન-અર્ચન માટે લઈ જઈ શકશે. માટીની આ પ્રતિમાઓનું ઘરમાં કુંડા કે બગીચામાં જ સુગમતાથી વિસર્જન કરી શકાશે, જેથી પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થશે. પર્યાવરણીય જાગૃતિને વધુ વ્યાપક બનાવવા GPCB દ્વારા રેડિયો માધ્યમથી જનજાગૃતિ સંદેશો, અમદાવાદના આશરે ૫૦ ગણપતિ પંડાલોમાં શેરી નાટકો તેમજ વિવિધ શાળાઓ અને કોલેજોમાં માટીના ગણેશજી બનાવવાના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં GPCBના અધ્યક્ષ આર.બી.બારડ, સભ્ય સચિવ દિપાલી ટાંક સહિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ