


કચ્છ, 08 સપ્ટેમ્બર (હિ.સ.) :કચ્છની પરંપરાગત હાથસાળ અને હસ્તકલાએ ફરી એકવાર રાજ્યસ્તરે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ગુજરાત સરકારની કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ-2016 અંતર્ગત વર્ષ 2025 માટે જાહેર કરાયેલા હાથસાળ-હસ્તકલા એવોર્ડમાં કચ્છના સાત કારીગરોને વિવિધ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવશે. રાજ્યસ્તરે પસંદગી પામેલા કારીગરોની કલાત્મક કૃતિઓમાં કચ્છની સમૃદ્ધ પરંપરા, સર્જનાત્મકતા અને પેઢીઓથી ચાલી આવતી કારીગરીની ઝલક જોવા મળે છે.
હાથસાળ અને હસ્તકલા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કારીગરોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી પસંદગી પ્રક્રિયામાં રાજ્યભરમાંથી કુલ 15 કારીગરોની પસંદગી કરવામાં આવી છે. તેમાં 11 કારીગરોને રાજ્ય કક્ષાના અને ચાર કારીગરોને ઝોન કક્ષાના પારિતોષિકથી નવાજવામાં આવશે.
રાજ્ય કક્ષાના પુરસ્કારોમાં કચ્છના સુનીલ દિર્નેશ મંગરિયાએ ટેક્સટાઇલ ક્ષેત્રની હાથવણાટ ક્રાફટના ‘સ્ટોલ’ નમૂના માટે પ્રથમ પારિતોષિક મેળવ્યું છે. જ્યારે કચ્છી એમ્બ્રોઇડરીના સુંદર વોલપીસ માટે પ્રિયા મંગલ સંજોટને દ્વિતીય પારિતોષિક માટે પસંદ કરવામાં આવ્યા છે.
કચ્છની માટી અને પરંપરાગત કલાને આધુનિક સર્જનાત્મકતા સાથે રજૂ કરનાર પૂજા નવીનભાઈ ચૌહાણને મડ મિરરવર્ક ક્રાફટના ‘સર્જન ધ ક્રીએશન’ નમૂના માટે પ્રથમ પારિતોષિક મળશે. મહિલા કારીગર કેટેગરીમાં મશરૂ વણાટના સ્ટોલ માટે પૂજા શંકર ધોરિયાની પસંદગી થઈ છે.
યુવા કારીગર કેટેગરીમાં લુડિયા વૂડ કાર્વિંગની ‘હાથકોતરણી ઝરૂખો’ કૃતિ માટે વિજય જેમલ મારવાડા અને લુપ્ત થતી કલા કેટેગરીમાં કચ્છી ટાંગલિયા શાલ માટે જિતેન્દ્ર મગનભાઈ ધેયડાને એવોર્ડ આપવામાં આવશે.
આ ઉપરાંત ઝોન કક્ષાએ કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી રોગાન આર્ટની ‘ટ્રી ઓફ લાઇફ’ કૃતિ માટે અબ્દુલહમીદ આરબ ખત્રીની પ્રથમ પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. આ સન્માનથી કચ્છની પરંપરાગત કળાઓને નવી ઓળખ મળવાની સાથે સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar