
પાટણ, 08 સપ્ટેમ્બર (હિ.સ.) સાક્ષરતા સશક્ત રાષ્ટ્રનો પાયો છે અને શિક્ષણથી જ જ્ઞાન તથા વિકાસ શક્ય બને છે. વિશ્વ સાક્ષરતા દિન નિમિત્તે 8 સપ્ટેમ્બરે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સાક્ષરતા અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધી સુંદરલાલ શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ સાક્ષરતાના મહત્વ અંગેના વિવિધ બેનરો અને સૂત્રો સાથે જોડાયા હતા. રેલી ગુમડા મસ્જિદ તથા આસપાસના વિસ્તારોમાં ફરી લોકોને શિક્ષણ અને જ્ઞાનનું મહત્વ સમજાવવાનો સંદેશ આપ્યો હતો.
રેલી પ્રસંગે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી મધુબેન દેસાઈ, શાળાના આચાર્ય ચંદ્રકાંત ઠક્કર સહિત શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વિદ્યાર્થીઓની આ પહેલ દ્વારા સમાજમાં શિક્ષણ અને સાક્ષરતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ