ભાવનગર 16 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર “સ્પેશિયલ કૈમ્પેન 5.0” હેઠળ પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા 15 ઓક્ટોબર, 2025ના રોજ બોટાદ સ્ટેશન પર “અમૃત સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્માની ઉપસ્થિતિ રહી હતી.
આ અવસરે યાત્રિયો સાથે સંવાદ સ્થાપિત કરીને “અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS)” હેઠળ બોટાદ સ્ટેશન પર કરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે માહિતી શેર કરવામાં આવી હતી. મુસાફરોને જણાવાયું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજના ભારતીય રેલવેની એક મહત્ત્વાકાંક્ષી પહેલ છે, જેનો હેતુ દેશભરના સ્ટેશનોનું તબક્કાવાર વિકાસ અને આધુનિકીકરણ કરીને તેમને વધુ સુવિધાસભર, સ્વચ્છ અને આધુનિક બનાવવાનો છે.
યોજનામાં સતત વિકાસ, ડિજિટલ માહિતી પ્રણાલી, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને સૌંદર્યીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ કાર્યોમાં જનભાગીદારીની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
બોટાદ સ્ટેશન પર ₹9.21 કરોડના ખર્ચે વિવિધ યાત્રી સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જેમાં સમાવેશ થાય છે:
• પ્લેટફોર્મનું પુનઃસર્ફેસિંગ
• પ્લેટફોર્મ નં. 1, 2 અને 4 પર નવા પ્રતીક્ષા ખંડો અને શૌચાલય બ્લોકોનું નિર્માણ
• દિવ્યાંગ અનુકૂલ સુવિધાઓ
• નવા પ્રવેશ અને નીકળવાના દ્વાર
• સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગનું વિકાસ
• સ્ટેશન બિલ્ડિંગનું ફેસાડ સુધારણ, લાઇટિંગ અને લેન્ડસ્કેપિંગ કાર્ય, સાથે જ ₹28.46 કરોડના ખર્ચે 12 મીટર ચૌડ઼ા ફૂટ ઓવર બ્રિજ (FOB)નું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે, જેમાં લિફ્ટ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્ય 31 માર્ચ, 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેનાથી મુસાફરોના આવાગમન અને સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે.
આ પ્રયાસો દ્વારા ભારતીય રેલવે મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ, આધુનિક અને મુસાફર-મિત્ર વાતાવરણ પ્રદાન કરવાની દિશામાં સતત આગળ વધી રહી છે. બોટાદ સ્ટેશનને આકર્ષક અને આધુનિક મોડલ સ્ટેશન તરીકે વિકસાવવાનું કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે.
કાર્યક્રમ દરમિયાન મુસાફરો પાસેથી તેમના સૂચનો અને પ્રતિભાવ પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. મુસાફરોએ રેલવે દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી તેમજ કેટલાક ઉપયોગી સૂચનો પણ આપ્યા, જેના પર રેલવે પ્રશાસન દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ