ગાંધીનગર, 19 ઓક્ટોબર (હિ.સ.): દીપાવલી એટલે અંધકાર પર પ્રકાશનો વિજયોત્સવ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવાયું છે — ‘તમસો મા જ્યોતિર્ગમય’ – ‘હે ભગવાન ! અમને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જાઓ.’
સનાતન ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું સ્વામિનારાયણ અક્ષરધામ પરિસર સતત ૩૩ વર્ષોથી ૧૦,૦૦૦ દીવડાઓની હારમાળા પ્રગટાવી દીપાવલી પર્વના સંદેશને જન-જનના માનસ પટ પર અંકિત કરે છે.
સંધ્યા સમયે હજારો દીવડાઓ વચ્ચે દેદીપ્યમાન અક્ષરધામ મંદિર, હરિયાળા બગીચાઓને પ્રકાશમય બનાવતું ‘ગ્લો ગાર્ડન’, ‘નીલકંઠ વાટિકા’માં નયનરમ્ય રોશની, સંગીત અને ૧૦૮ ગૌમુખમાંથી વહેતી જલધારા મધ્યે સ્થિત ૪૯ ફૂટ ઊંચી તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની રમણીય મૂર્તિ આદિ આકર્ષણો દર્શનાર્થીઓને ‘સત્યમ્ – શિવમ્ – સુંદરમ્’ની અનુભૂતિ કરાવે છે.
સોમવાર, તા. ૨૦થી રવિવાર, તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ સુધી દર્શનાર્થીઓ અક્ષરધામમાં દીપોત્સવી પર્વની અનુભૂતિ સાંજે ૬:૦૦ થી ૭:૪૫ દરમ્યાન કરી શકશે. સોમવાર, તા. ૨૦-૧૦-૨૫ના રોજ પ્રદર્શન ખંડો, વૉટર શૉ સહિત અક્ષરધામના તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ