સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.): શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલ બાર્બી ક્યુ નેશન નામની હોટલમાં રેસ્ટોરન્ટ મેનેજર તરીકે કામ કરતા યુવકે હોટલ માંથી રૂપિયા 1.50 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો છે. જેથી આખરે ભોગ બનનાર વ્યક્તિએ હોટલના અન્ય કર્મચારીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મેનેજર સામે રૂપિયા દોઢ લાખની નોકર ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની અને સુરતના ઉમરા પારલે પોઇન્ટ વિસ્તારમાં સરગમ શોપિંગ સેન્ટર પાસે આવેલ રાધા નગરમાં રહેતા અજય કુમાર વિશ્રામસિંગ સોલંકી પાર્લે પોઇન્ટ ગોલ્ડાન સ્કવેર કોમ્પ્લેક્ષમાં આવેલ બારબે ક્યુ નેશન નામની હોટલ ચલાવે છે. તેમની હોટલમાં સુદીપ નીર્મલ મુખર્જી (રહે-અંદર મનીક, બદુરીયા, પોસ્ટ-અંદર મનીક જી-નોર્થ.૨૪ પરગનાસ પશ્વિમ બંગાળ) છેલ્લા ચાર મહિનાથી રેસ્ટોરન્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. જેના કારણે તમામ રોકડ રકમ પણ તેમની પાસે આપ-લે થતી હતી. આ દરમિયાન ગત તારીખ 13-10-2025 ના રોજ સવારે 8:00 વાગ્યાના અરસામાં સુદીપ હોટલના કેસ કાઉન્ટર ડ્રોવરમાં મુકેલા રોકડા રૂપિયા દોઢ લાખની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જેથી બાદમાં અજય કુમારને આ ચોરીની જાણ થતા તેઓએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો ઉમરા પોલીસે સુદીપ મુખરજી સામે રૂપિયા 1.50 લાખની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે