સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.): શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા વેપારીએ તેમના ઘરમાં કામકાજ કરતી મહિલા સામે રૂપિયા દોઢ લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે. વેપારીની પત્ની થોડા સમય માટે ઘરની બહાર ગઈ હતી ત્યારે તકનો લાભ ઉઠાવી કામવાળી બાઈએ ઘરમાં મુકેલા રોકડા રૂપિયા અનેસોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.50 લાખની ચોરી કરી પલાઈન થઈ ગઈ હતી. જેથી ભોગ બનનાર વેપારીએ આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અલથાણ વિસ્તારમાં સંગીની સોલીતરની સામે આવેલ રામેશ્વરમ પેલેસમાં રહેતા યશવંતભાઈ કનૈયાલાલ સુરાણા ના ઘરે છેલ્લા ત્રણ મહિનાથી પાંડેસરા ચીકુવાડીમાં રહેતી સુનિતા સુનિલ પાટીલ નામની મહિલા કામવાળી બાઈ તરીકે કામ કરતી હતી. યશવંતભાઈના ઘરે અગાઉ કામ કરતી મહિલાએ કામ છોડી દીધું હતું. ત્યારે તેમણે સુનીતા નો રેફરન્સ આપ્યો હતો અને જેના કારણે તેઓએ સુનિતા ને કામ પર રાખી હતી. જો કે ત્રણ મહિનાનો સમયગાળા દરમિયાન તારીખ 13/10/2025 થી તારીખ 15-10-2025 ના સમયગાળાની અંદર યશવંતભાઈની પત્ની કામ અર્થે બહાર ગઈ હતી ત્યારે તકનો લાભ ઉઠાવી સુનિતા પાટીલે ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી 1.50 લાખની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી બાદમાં યશવંતભાઈને ચોરીને જાણ થતા તેઓએ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નોકર ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે