અંબાજી, 16 ઓક્ટોબર (હિ.સ.): યાત્રાધામ અંબાજી ખાતે આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા અંબાજીના વિવિધ દર્શનીય સ્થળોની બનાવેલી દર્શન સર્કિટને ખુલ્લી મૂકી છે, જોકે જિલ્લા કલેકટર દ્વારા બહાર થી આવતા શ્રદ્ધાળુઓમાટે એક મહત્વપૂર્ણ શરૂઆત કરી છે. જેમાં મુખ્યત્વે અંબાજી આવતા યાત્રિકો જે માત્ર માં અંબેના દર્શન કરી પરત જતા હોય છે ત્યારે અંબાજીની આસપાસ આવેલા વિવિધ 12 જેટલા અન્ય ધાર્મિક સ્થળો સાથે એતિહાસિક સ્થળો તેમજ અતિ પૌરાણિક જિનાલયોનો પરિચય કરાવતા આ અંબાજી દર્શન સર્કિટ થી પ્રવાસીઓ અંબાજી સહીત આસપાસના 30 સ્થળોની પણ મુલાકાત લઇ શકશે તેમજ તેનો ઇતિહાસ પણ જાણી શકે તે માટે ગાઈડની પણ વ્યવસ્થા આજથી શરુ કરવામાં આવી છે.
હવે યાત્રિકો માટે એક માત્ર મંદિર પૂરતા દર્શન સીમિત ન રહેતા આસપાસના સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક વરસાનો આનંદ પણ માણી શકશે, આ ઉદેશ્ય એક માત્ર ધાર્મિક કેન્દ્ર તરીકે નહિ પણ શક્તિપીઠ અંબાજી 1200 વર્ષ જૂનું પૌરાણિક ધાર્મિક સ્થળ છે અને તેને એક સંપૂર્ણ યાત્રાધામ દર્શન સર્કિટ તરીકે વિકસાવવામાં મદદરૂપ બની રહેશે. જેનાથી પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રના વિકાસને પણ વેગ મળશે.તેમ મિહિર પટેલ જિલ્લા કલેકટર બનાસકાંઠા એ જણાવ્યું હતું.
આ સેવાને વધુ અસરકારક બનાવવા તેમજ શ્રદ્ધાળુઓના અનુભવને વધુ સમૃદ્ધ કરવા માટે માર્ગદર્શકોની પણ નિમણુંક કરવામાં આવી છે, જે અંબાજી આસપાસના ધર્મીક સ્થળોના ઇતિહાસ સાથે ધાર્મિક મહત્વ તેમજ તેમની સાથે જોડાયેલી લોકકથાની પણ સમજણ આપશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ, અધિક કલેકટર કૌશિક મોદી સહીત અંબાજી ગામના સરપંચ કલ્પનાબેન દવે તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ