જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા વહીવટી તંત્ર, પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આત્મા પ્રોજેકટ દ્વારા 'પ્રેરણા પ્રવાસ' નું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને આ પ્રવાસ અંતર્ગત જિલ્લાના સફળ મોડેલ પ્રાકૃતિક ફાર્મોની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી.અને પ્રાકૃતિક ખેતીના જીવંત અને સકારાત્મક પરિણામો બતાવીને તેમને આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કરાયાં હતા.આ અવસરે પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આત્મા વિભાગના અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, જમીનના આરોગ્યનું સંવર્ધન અને ખર્ચમાં બચત જેવા નિર્ણાયક મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તાલીમના ભાગરૂપે, અધિકારીઓ દ્વારા ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની સચોટ અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખતી મલ્ચિંગ પદ્ધતિ અને રસાયણમુક્ત કીટનાશક દ્રાવણો જેમ કે ખાટી છાશ, બ્રહ્માસ્ત્ર, નિમસ્ત્ર વગેરે દ્વારા જીવાત નિયંત્રણના અસરકારક ઉપાયો વિશે પણ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.મોડેલ ફાર્મ પર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવેલા ઉત્કૃષ્ટ પરિણામો, પાકની ગુણવત્તા અને ઓછા ખર્ચમાં વધુ નફાકારકતા માટેના માર્કેટિંગના સફળ માધ્યમોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવનારા સમયમાં આવા પ્રેરણાત્મક કાર્યક્રમોને વધુ વિસ્તૃત અને નિયમિત રૂપે યોજીને જિલ્લાના મહત્તમ ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિનો સંદેશ પહોંચાડવાની યોજના છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt