જૂનાગઢ,16 ઓક્ટોબર (હિ.સ.) ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આગામી તા.૦૨ નવેમ્બરથી શરૂ થશે. જેના આયોજન સંદર્ભે જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અને અમલીકરણ માટે વિવિધ વિષયો અને મુદ્દાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ફોરેસ્ટ વિભાગના સંકલનમાં તેમજ અન્ય વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી આયોજન સંદર્ભે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવું તંત્રનું આયોજન છે.ગિરનારની પ્રકૃતિ વન્યજીવ સૃષ્ટિ અને ધર્મસ્થાનો આપણી ધરોહર છે. ત્યાં સ્વચ્છતા રહે પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે સતત યાત્રિકોમાં જનજાગૃતિ આવી રહી છે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી કલેકટરે સાધુ સંતો સંસ્થાઓ વેપારીઓ યાત્રિકો તેમજ તંત્રના પ્રયાસો એમ સૌના પ્રયાસોથી ગિરનારને આપણે સ્વચ્છ રાખીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે નિયમોની અમલવારી કરીએ અને સ્વયંભૂ આ માટે એકબીજાને સંદેશો આપીને જાગૃત રહીએ તેમ પણ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
આ તકે મહંત ઈન્દ્રભારતી બાપુ દ્વારા યાત્રાળુઓ બહુ વહેલી પરિક્રમા શરૂ ન કરી દે અને પરિક્રમાના સુનિશ્ચિત કરાયેલા રૂટ ઉપર જ પરિક્રમા કરે અને યાત્રાળુઓ સહેલાઈથી પરીક્રમા પૂર્ણ કરે તે બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરતા ગિરનાર લીલી પરિક્રમાની તા.૨ થી ૫ નવેમ્બર સુધી સુનિશ્ચિત કરવામાં આવી છે.
બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર, પરિક્રમામાં વીજળી પુરવઠો સતત મળી રહે તે માટે જનરેટર મુકાવવામાં આવશે. પાણીના ૨૯ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. ૭ બોર પણ આવેલા છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જરૂરી દવાનો સ્ટોક તૈયાર કરાવવો, એન.એસ.એસ. એન.સી.સી. ના સ્ટાફને ને ફરજ ઉપર રાખવા, એમ્બ્યુલન્સ મુકાવવી, એસ.ટી. તંત્ર દ્વારા કાળવા ચોકથી ભવનાથ મંદિર સુધી એક્સ્ટ્રા મીની બસો મુકાવવી, પરિક્રમાના રસ્તા સરખા કરાવવા, રિક્ષાના ભાડા મર્યાદિત રહે, દૂધ અને દૂધની બનાવટો, કરિયાણું યાત્રિકોને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ ઉપરાંત, પરિક્રમાના રૂટથી વન્ય પ્રાણીઓનું નિયંત્રણ થઈ શકે તે માટે વ્યવસ્થા કરાવવી, વીજ પુરવઠો ન ખોરવાઈ તે જોવું, કંટ્રોલ રૂમ ઊભા કરાવવા, ફોન નંબરની યાદી પ્રસિદ્ધ કરાવવી, રૂટની માહિતી આપતા સિગ્નલ અને માહિતીના બોર્ડ લગાવવા, રસોઈ કરવા માટેના બળતણ માટેના લાકડા માટે જરૂરી વ્યવસ્થા, જંગલને નુકસાન ન થાય તે માટે નો પ્લાસ્ટિક ઝોન ઊભા કરાવવા, ડોક્ટર નર્સ, ફાયર બ્રિગેડ, ૧૦૮ ની ટીમો સ્ટેન્ડ બાય રાખવી, અન્ન ક્ષેત્રોમાં માલ સમાન લઈ જવા માટેના સ્ટાફ અને વાહનોની પાસની કામગીરી, પરિક્રમાના પૂર્વ નિરીક્ષણ માટેની ટીમો બનાવવી, ફરજ ઉપરના તમામ સ્ટાફને વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી અને સંસ્થાઓ તેમજ સાધુ-સંતોના સૂચનોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જી.એસ.આર.ટી.સી., રેલવે દ્વારા પરિક્રમાનો પ્રચાર પ્રસાર થાય, ડ્રોન કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવે, ઓ.આર.એસ. લિક્વિડ માટેના પોઇન્ટ ઊભા કરાય, મોબાઈલ નેટવર્ક માટે સુચારૂ સંકલન કરાવવું, જરૂરી પોલીસ બંદોબસ્ત,જાહેર શૌચાલયો ઊભા કરાવવા, દામોદર કુંડ ખાતે યાત્રિકોના સ્નાન માટે વ્યવસ્થા કરાવવી, ડોળી વાળાને ઊભા રખાવવા, રોડ જ્યાં જ્યાં સાંકડા છે ત્યાં પહોળા કરાવવામાં આવે, અન્નક્ષેત્ર ચાલુ કરાવવાની વ્યવસ્થા કરાવવી, પરિક્રમા પછી સફાઈ કામગીરી તાત્કાલિક કરાવવામાં આવે, પરિક્રમાના માર્ગ જળવાઈ રહે તે માટે બંને બાજુ દોરડા બંધાવવા, ટ્રાફિક સંચાલન કરાવવું, પાર્કિંગ સ્પોટ ઊભા કરાવવા, રોડ ઉપરથી દબાણો હટાવવા આમ તમામ રીતે સંકલન સાધીને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત સમીક્ષા બેઠકમાં સાધુ સંતો, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર, મેયર ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, સામાજિક અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ એસોસિએશનના સભ્યો, મંત્રીઓ, અગ્રણી સર્વ યોગેન્દ્રસિંહ પઢિયાર, બટુક મકવાણા, ભાવેશ વેકરીયા, ખોડીયાર રાસ મંડળના પ્રમુખ જાદવભાઈ તેમજ અન્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ