સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.)-ગુજરાતે ગ્રીન ગ્રોથ અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની દિશામાં એક વધુ ઐતિહાસિક પગલું ભર્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલા મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું ગઈકાલે મુંબઈ સ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર વિધિવત્ લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેલ વગાડીને આ બોન્ડના ખરીદી-વેચાણના વ્યવહારનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી, મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને અનેક અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત મનપાના આ બોન્ડને રોકાણકારો તરફથી અદભૂત પ્રતિસાદ મળ્યો છે. રૂ. 200 કરોડના ઇશ્યૂ સામે રૂ. 800 કરોડની માંગ નોંધાઈ હતી, જે આ બોન્ડને 8 ગણું ઓવરસબસ્ક્રાઇબ્ડ બનાવે છે. આ આંકડો સુરત મનપાની નાણાકીય વિશ્વસનીયતા અને તેની ગ્રીન પહેલ પ્રત્યે રોકાણકારોના મજબૂત વિશ્વાસને દર્શાવે છે.
આ ગ્રીન બોન્ડ રૂ. 200 કરોડના લિસ્ટેડ, ટેક્સેબલ, રિડીમેબલ અને સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ મ્યુનિસિપલ ડિબેન્ચર સ્વરૂપે જાહેર કરવામાં આવ્યા હતા. તે 6 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર, 2025 સુધી ખુલ્લા રહ્યા હતા. રીટેલ રોકાણકારો માટે કુલ રૂ. 30 કરોડનો ભાગ ફાળવવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ ગ્રીન બોન્ડ માત્ર આર્થિક વ્યવહાર નથી, પરંતુ લોકોની ગ્રીન ગ્રોથમાં સીધી ભાગીદારીનું પ્રતિક છે. તેમણે સુરત મનપાની આ પહેલને “ગ્રીન પીપલ્સ ફાઇનાન્સિંગ”નું એક ઉત્તમ ઉદાહરણ ગણાવી જણાવ્યું હતું કે આ પ્રયોગથી ગુજરાત રાજ્ય પર્યાવરણ સુરક્ષા સાથે આર્થિક પ્રગતિનું સંતુલન જાળવી રહ્યું છે.
મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત મનપા દેશની પ્રથમ સંસ્થા છે જેણે આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ પ્રમાણિત ગ્રીન બોન્ડ બહાર પાડ્યો છે. આ બોન્ડથી મળેલી રકમનો ઉપયોગ માત્ર પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાં જ કરવામાં આવશે — જેમાં સોલાર પાવર, પાણી સંરક્ષણ અને ગ્રીન ટ્રાન્સપોર્ટ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે 2070 સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે અને ગુજરાત ‘વિકસિત ભારત @ 2047’ના દૃષ્ટિકોણ સાથે ગ્રીન ઇકોનોમીના ક્ષેત્રમાં અગ્રેસર બની રહ્યું છે.
મેયર દક્ષેશ માવાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સુરતની ગ્રીન એનર્જી પહેલ 2047ના વિકાસ વિઝનને સાકાર કરવામાં એક પ્રેરક ઉદાહરણ બનશે. અત્યાર સુધીમાં 14થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવનાર સુરત શહેર હવે ગ્રીન એનર્જી આધારિત વિકાસના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે