પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.): દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ જેવા તહેવારો દરમિયાન પાટણ જિલ્લામાં તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સેવા સંપૂર્ણ રીતે સજ્જ રાખવામાં આવી છે. જિલ્લાના 9 સ્થળોએ 27 એમ્બ્યુલન્સ અને 95 જેટલા EMT અને પાયલોટ સ્ટાફ સાથે સ્ટેન્ડ-બાય રહેશે. દરેક 20 કિલોમીટરના અંતરે એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે અને સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવી છે.
108 એમ્બ્યુલન્સ મેનેજર નરેશ પટેલે જણાવ્યું કે તહેવારોના દિવસોમાં દાઝી જવાના, ગંભીર અકસ્માતો તથા મારામારી જેવા બનાવોમાં વધારો થતો હોય છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધે છે અને કોલનો પ્રમાણ પણ વધારે છે. દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ ટીમ 24 કલાક ફરજ પર રહેશે.
પાટણ, ચાણસ્મા, હારીજ, સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર સહિત 18 પોઈન્ટ પર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે. કેટલીક એમ્બ્યુલન્સને વિશેષ સંજોગોમાં ઉપયોગ માટે રિઝર્વ પણ રાખવામાં આવી છે. આ ચુસ્ત આયોજન દ્વારા લોકો સુધી ઝડપી અને અસરકારક તાત્કાલિક સારવાર પહોંચાડવાની તૈયારી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ