વલસાડ, 17 ઓક્ટોબર (હિ.સ.): મેદસ્વિતા અનેક રોગોનું મૂળ છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, અસ્થમા જેવી અનેક બીમારીઓથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'મન કી બાત'માં આ મુદ્દા પર ભાર મુકી દેશવાસીઓને મેદસ્વિતાથી મુક્ત થવા આહવાન કર્યું હતું અને સાથે કહ્યું હતું કે, ખોરાકમાં ઓછું તેલ, ઓછું ફાસ્ટફૂડ - વધુ યોગ, વધુ સ્વાસ્થ્યનો સંદેશ આપ્યો હતો.
વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત વલસાડમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વલસાડના સ્પોર્ટસ કોમ્પેલેક્ષમાં મેદસ્વિતામુક્ત જીવનશૈલી માટે ૩૦ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના ૭૫માં જન્મદિનની ઉજવણી રૂપે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ શરૂ કરાયેલા સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં મેદસ્વિતા મુક્તિ માટે શિબિરોનું આયોજન કરાયુ હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલ રાજપૂતના કુશળ નેતૃત્વમાં કાર્યરત વલસાડ જિલ્લાની રાજ્ય યોગ બોર્ડ ટીમ દ્વારા સાઉથ ઝોન કો - ઓર્ડીનેટર પ્રિતીબેન પાંડેના સચોટ માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં પણ બે ઠેકાણે ૩૦ દિવસની મેદસ્વિતા નિવારણ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં એક શિબિર વલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બીજી શિબિર વાપીમાં ગુંજન ખાતે આવેલા અંબામતા મંદિર પરિસરમાં યોજાઈ હતી. જેનું સંપૂર્ણ સંચાલન વલસાડ જિલ્લા યોગ કો- ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળોએ વલસાડ અને વાપીના લોકો રજીસ્ટ્રેશન કરી જોડાયા હતા અને શિબિરનો લાભ લીધો હતો.
આ શિબિરમાં જોડાયેલા લોકોએ પ્રાણાયામ અને યોગાસન કર્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટરની ટીમ દ્વારા શિબિરમાં જોડાયેલા દરેક લાભાર્થીઓના BMI, બ્લડપ્રેશર, સુગર જેવા જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા અને જિલ્લા આયુર્વેદિક વિભાગ તરફથી દરેકને ઉકાળાની ઔષધિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દરેકને ઉકાળા આપવામાં આવ્યા તેમજ મેદસ્વિતા મુક્તિ માટે માર્ગદર્શિકા બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા યોગ કો- ઓર્ડીનેટર પ્રિતીબેન વૈષ્ણવ દ્વારા વલસાડ જિલ્લાના લોકોને સાથે મળીને સંકલ્પ લેવા આગ્રહ કર્યો છે કે યોગ + સંતુલિત આહાર + સક્રિય જીવનશૈલી = સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત વલસાડ અને મેદસ્વિતા મુક્ત ગુજરાત ગુજરાત. હવે બીજા તબક્કાની શિબિર તા. ૧૦ નવેમ્બર ૨૦૨૫થી ફરી 30 દિવસ માટે વલસાડ જિલ્લામાં શરૂ થશે જેમાં જોડાઈને આ શિબિરનો લાભ લેવા પ્રિતીબેન વૈષ્ણવે વલસાડ જિલ્લાના લોકોને અનુરોધ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે