સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.) સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી એક હોટલમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે હંગામો સર્જાયો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો જપ્ત કરી હતી, પરંતુ પોલીસે સાથે હાથાપાઈ કરનાર યુવકને મોડી રાતે જ છોડી દેવાતા પોલીસની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
મળતી માહિતી અનુસાર, 16 ઓક્ટોબરની રાત્રે અલથાણ પોલીસને જાણ મળી કે કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક યુવક-યુવતીઓ બર્થડે પાર્ટીની આડમાં દારૂની મજા માણી રહ્યાં છે. પોલીસ ત્યાં પહોંચી ત્યારે ઘણા યુવક-યુવતીઓ ભાગી છૂટ્યા હતા. સ્થળની બહાર પાર્ક કરેલી સિલ્વર કલરની કાર માંથી થર્મોકોલના બોક્સ તથા લાલ બોક્સમાં વ્હીસ્કી અને બિયરની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
રેઈડ દરમિયાન એક કાર રોકીને પોલીસે અંદર બેઠેલા યુવકને બહાર કાઢ્યો ત્યારે યુવકે પીએસઆઈ સાથે હાથાપાઈ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવક પહેલાં વીડિયો બનાવી રહેલા વ્યક્તિને ધક્કો મારતો અને બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરતો જોવા મળે છે. યુવકની કારમાં બેઠેલી બે મહિલાઓ પણ તેના બચાવમાં ઉતરી પડી હતી.
સ્થળ પર યુવકના પિતા સમીર શાહ પણ પહોંચી ગયા હતા અને પોલીસે યુવકને છોડવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે ફોન પર વાત કરવાની કોશિશ પણ કરી હતી, પરંતુ પીએસઆઈએ વાત કરવાનું ટાળ્યું હતું.
આ હંગામા બાદ પણ પોલીસએ યુવક સામે કોઈ ઠોસ કાર્યવાહી કર્યા વિના તેને મોડી રાતે જ છોડી દીધો હતો. માત્ર મહેફિલમાં દારૂ સપ્લાય કરનાર વ્રજ શાહ સામે જ પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો.ઘટનાના 12 કલાકથી વધુ સમય બાદ પણ નબીરા તથા તેના પિતા સમીર શાહના બ્લડ સેમ્પલ લેવાયા નથી, જેના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઊઠ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, યુવકે માફી માંગી લેતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
યુવકના પિતા સમીર શાહ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને લાયઝનિંગનું કામ કરતા હોવાની ચર્ચા છે. શહેરના અનેક પ્રભાવશાળી લોકો સાથે તેમની નજીકની ઓળખાણ હોવાનું કહેવાય છે. વર્ષ 2012માં મારવાડી પરિવારની દારૂ મહેફિલના “સેટિંગ” પ્રકરણમાં પણ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું.
આ બનાવ બાદ ફરી એક વાર અલથાણ પોલીસની નિષ્પક્ષતા અને કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે — “હાથાપાઈ કરનારને છોડી દેવાયો કેમ?” એ સવાલ હજી બિનઉત્તરિત છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે