ભાવનગર 17 ઓક્ટોબર (હિ.સ.): પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા “સ્વચ્છતા પખવાડિયા – 2025” અંતર્ગત વિવિધ સ્વચ્છતા અને જનજાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે આ અભિયાનનો પ્રારંભ 01 ઓક્ટોબર, 2025ના રોજ પ્રભાત ફેરી અને સ્વચ્છતા શપથ સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા, વરિષ્ઠ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં રેલકર્મીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ અને વરિષ્ઠ મંડળ યાંત્રિક ઇજનેર સંતોષ કુમાર મિશ્રાની દેખરેખમાં આ અભિયાન દરમિયાન દરેક દિવસને એક વિશિષ્ટ થીમ હેઠળ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે — સ્વચ્છતા શપથ દિવસ, સ્વચ્છતા જાગૃતિ દિવસ, સ્વચ્છ ભારત દિવસ, સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલગાડી, સ્વચ્છ ટ્રેક, સ્વચ્છ પરિસર, સ્વચ્છ કાર્યસ્થળ, સ્વચ્છ આવાસીય પરિસર, સ્વચ્છ આહાર, સ્વચ્છ પાણી, સ્વચ્છ પ્રસાધન, સિંગલ યુઝ પ્લાસ્ટિક નિષેધ અને સ્વચ્છતા રેલીનો સમાવેશ થાય છે.
મહાત્મા ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત દિવસ (02 ઓક્ટોબર, 2025)ના અવસરે વૃક્ષારોપણ, નિરીક્ષણ અને પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO)ની અધ્યક્ષ શાલિની વર્માએ વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. સાથે જ, ચિત્રકલા સ્પર્ધામાં વિજેતા 12 બાળકોને તથા સ્વચ્છતા અભિયાનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 12 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
“સ્વચ્છ રેલગાડી” થીમ અંતર્ગત પોરબંદર, ભાવનગર અને વેરાવળ કોચિંગ ડીપોમાં ટ્રેનોની ઊંડાણપૂર્વક યાંત્રિક સફાઈ કરવામાં આવી હતી. સાથે જ, સ્ટેશનો પર મુસાફરો વચ્ચે સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. “સ્વચ્છ આહાર” દિવસના અવસરે મંડળના તબીબી વિભાગ દ્વારા ભાવનગર ટર્મિનસ, જુનાગઢ, વેરાવળ, પોરબંદર, જેતલસર, બોટાદ, સોનગઢ, ધોળા અને ધોળકા સ્ટેશનો પર ખાદ્ય સ્ટૉલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પેન્ટ્રીકાર વેન્ડરો અને સ્ટૉલ સંચાલકોને સ્વચ્છતા શપથ અપાવવામાં આવી તથા વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વચ્છ આહારના મહત્વ વિષે જાગૃત કરવામાં આવ્યા. અભિયાન દરમ્યાન મંડળના વિવિધ સ્ટેશનો પર ઊંડાણપૂર્વકની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા. સ્ટેશન પરિસર, પ્લેટફોર્મ, મુસાફરોની સુવિધાઓ તથા કચેરીઓની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી અને કર્મચારીઓ તથા મુસાફરોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવામાં આવી. “સ્વચ્છ પાટા” કાર્યક્રમ અંતર્ગત કર્મચારીઓ દ્વારા રેલવે ટ્રેકની સફાઈ કરવામાં આવી.
તે ઉપરાંત, “વેસ્ટ ટુ આર્ટ”, શ્રમદાન, રેલીઓ અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા રેલકર્મીઓ, વિદ્યાર્થીઓ તથા સામાન્ય નાગરિકોને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. મુસાફરો પાસેથી સ્વચ્છતા વિષે પ્રતિસાદ મેળવવામાં આવ્યો હતો તથા ભવિષ્યની યોજનાઓ માટે સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા હતા.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ 17 ઓક્ટોબર, 2025 (શુક્રવાર)ના રોજ મંડળના વરિષ્ઠ અધિકારીઓ તથા મીડિયા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજી “સ્વચ્છતા પખવાડિયા – 2025” અંતર્ગત હાથ ધરાયેલા કાર્યક્રમોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ભાવનગર મંડળે આ પખવાડિયાને જનઅભિયાનનું સ્વરૂપ આપીને ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત કરી છે. 1 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન આ અભિયાન અંતર્ગત મંડળના 66 રેલવે સ્ટેશનો આવરી લેવામાં આવ્યા હતા. આશરે 925 કર્મચારીઓ અને નાગરિકોએ સ્વચ્છતા શપથ લીધી અને 12400 ચોરસ મીટર વિસ્તારની સફાઈ કરવામાં આવી. 160 મીટર નાળીઓની સફાઈ, 9 સ્થળોએ ફ્યુમિગેશન તથા 9 એન્ટી-લિટરિંગ ડ્રાઇવ દ્વારા સ્વચ્છતાને જનજાગૃતિ સાથે જોડવામાં આવી. “સ્વચ્છ પરિસર” અંતર્ગત 39 કચેરીઓની સફાઈ અને સૌંદર્યીકરણ કરવામાં આવ્યું, જ્યારે 36 કિમી ટ્રેકની સફાઈ તથા 2.3 ટન પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવામાં આવ્યો. “સ્વચ્છ નીર” અભિયાનમાં 15 જળસ્થળો તથા 10 પાણીના બૂથોની સફાઈ તથા પાણીની ગુણવત્તાની તપાસ કરવામાં આવી.
ભાવનગર મંડળના તમામ સ્ટેશનો પર હવે સ્વચ્છ પ્લેટફોર્મ, સુધારેલી જળ તથા શૌચાલય સુવિધાઓ અને શુદ્ધ વાતાવરણ મુસાફરોને નવો અનુભવ આપી રહ્યા છે. ભાવનગર મંડળે આ અવસરે સંકલ્પ કર્યો કે “સ્વચ્છતા હી સેવા”ના આદર્શોને અપનાવી રેલવે પરિસરોને સ્વચ્છ, હરિત અને સ્વસ્થ રાખવા માટેના પ્રયાસો સતત ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ