ભાવનગર 17 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના કાર્મિક વિભાગ દ્વારા કર્મચારી હિત નિધિના સૌજન્યથી ધોળા જંકશન રેલવે કોલોનીમાં “સાંસ્કૃતિક સાંજ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ રેલવે કર્મચારીઓ અને તેમના કુટુંબના સભ્યોની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો અને તેમને પોતાની કલા રજૂ કરવા માટે એક સકારાત્મક મંચ પ્રદાન કરવાનો હતો. આ આયોજન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગનજીના માર્ગદર્શન અને પ્રેરણાથી શરૂ થયું હતું.
કાર્યક્રમમાં રેલવે કોલોનીના બાળકો અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સંગીત તથા નૃત્યની સુંદર રજૂઆતો આપી હતી. દર્શકોએ સમગ્ર કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગનજીએ રેલવેમાં ચાલી રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પુરસ્કૃત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સહાયક કાર્મિક અધિકારી શ્રી સંતોષ કુમાર વર્માએ કોલોનીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે પ્રેરણા આપી હતી અને “બેસ્ટ કેપ્ટ રેલવે ક્વાર્ટર એવોર્ડ” તરીકે એક નવી પહેલ રજૂ કરી હતી આ પહેલ હેઠળ ESM શ્રી અમોલ ડોંગરેને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારીના કરકમળોથી સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, ધોળા શાખાના મેનેજર શ્રી અજીત કુમાર ગુપ્તાએ SBI રેલવે સેલરી પેકેજ અકાઉન્ટના લાભોની માહિતી આપી હતી.
આ પ્રસંગે સહાયક મંડળ ઇજનેર શ્રી વિજેન્દ્ર સિંહ અને પશ્ચિમ રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી શ્રી શૈલેન્દ્ર શ્રીવાસ્તવએ પણ કર્મચારીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી શૈલેશ પરમાર (સચિવ, કર્મચારી હિત નિધિ અને કલ્યાણ નિરીક્ષક) તેમજ કલ્યાણ નિરીક્ષકોની ટીમનું વિશેષ યોગદાન રહ્યું, જેઓની મહેનતથી “સાંસ્કૃતિક સાંજ” કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ