પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.) પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિ દ્વારા 25 જૂન, 2025ના રોજ લેવામાં આવેલા ઠરાવ અનુસાર, ચેરમેનને એક કરોડ રૂપિયાનાં વિકાસકામો કયા વિસ્તારમાં અને કઈ એજન્સીને આપવા તે નક્કી કરવાની સત્તા અપાઈ હતી. આ કામો રોડ-રસ્તા અને બાગ-બગીચા જેવા વિકાસ માટે કન્સલ્ટન્સી સેવાઓ સાથે સંકળાયેલા હતાં. ઠરાવ બહુમતીથી મંજૂર થયો હતો.
આ ઠરાવ સામે નગરપાલિકાના ચીફ ઓફિસરે વાંધો ઉઠાવતાં તેને સમીક્ષા માટે ગાંધીનગર સ્થિત પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મોકલવામાં આવ્યો હતો. 20 ઓગસ્ટ, 2025ના પત્રમાં ચીફ ઓફિસરે ઠરાવ નંબર 57 અને 64ની અમલવારી મોકૂફ રાખવા રજૂઆત કરી હતી. 4 ઓક્ટોબર, 2025ના રોજ સુનાવણી હાથ ધરાઇ હતી જેમાં કારોબારી સમિતિના સભ્ય દેવચંદ પટેલે પણ લેખિત વાંધો રજૂ કર્યો હતો.સુનાવણી બાદ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર બી.એમ. પટેલે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 258(1) હેઠળ નિર્ણય આપતા ઠરાવ નંબર 64ની અમલવારી બીજો હુકમ ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવાનો વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો. કમિશનરે જણાવ્યું કે આ નિર્ણય ન્યાયના હિતમાં અને પાટણ નગરપાલિકાની વહીવટી કામગીરીના તટસ્થ નિરીક્ષણને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ