મહેસાણા, 17 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી શહેરમાં રહેતા અને ઘેલડા ગામના વતની સાત વર્ષના દક્ષ પટેલે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. દક્ષે માત્ર 8 મિનિટ અને 4 સેકન્ડમાં 60 સૂર્ય નમસ્કાર પૂર્ણ કરીને *‘ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ’*માં પોતાનું નામ નોંધાવ્યું છે. હવે તેનું આગામી લક્ષ્ય *‘એશિયા બુક ઑફ રેકોર્ડ્સ’*માં સ્થાન મેળવવાનું છે.દક્ષે નાનપણથી જ યોગમાં રસ દર્શાવ્યો હતો. માત્ર પાંચ વર્ષની ઉંમરે તેણે કડીના જકાતનાકા વિસ્તારમાં આવેલ પૂજા યોગ ક્લાસ સેન્ટરમાં કોચ ઘનશ્યામભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. હાલમાં દક્ષ નિયમિત રીતે 108 સૂર્ય નમસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે.દક્ષના પિતા યોગેશકુમાર પટેલ ભંકોડાની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, જ્યારે દક્ષ ડૉ. રામભાઈ એમ. પટેલ શાળામાં અભ્યાસ કરે છે. પરિવારજનોએ તેની ઉંમર માત્ર 3.5 વર્ષ હતી ત્યારે તેને યોગ શીખવવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.દક્ષની સિદ્ધિથી પરિવાર, શાળા અને વતન ઘેલડા ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. દક્ષની આ સફળતા માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે, જે દર્શાવે છે કે ઉંમર ક્યારેય પ્રતિભા માટે અવરોધ નથી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR