જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં સેન્ટ્રલ GST વિભાગ દ્વારા 12 પેઢીઓ પર કલાકોથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડા જામનગર GIDC, ઉદ્યોગનગર સહિત વેપારીઓની ઓફિસો અને ઘરો પર પાડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, દરેડ GIDC, શંકર ટેકરી ઉદ્યોગનગર અને બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની ઓફિસો અને નિવાસ્થાનો પર GST અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે.
સેન્ટ્રલ GST વિભાગના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો, બિલિંગ અને અન્ય શંકાસ્પદ લેવડદેવડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહેવાની શક્યતા છે.કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનમાં થયેલા વ્યવહારો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગેની સંપૂર્ણ હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલી 12 પેઢીઓ પરની આ તપાસથી ફરી એકવાર ચર્ચા જાગી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt