જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી પર ફાયરિંગ અને જીવલેણ હુમલાના અત્યંત ચકચારી કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી હસમુખ પેઢડિયા અને યોગેશ અકબરીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, 19 જૂન, 2018ના રોજ રાત્રિના સમયે જામનગરના લાલપુર બાયપાસ રોડ પર આવેલા કીર્તિ પેટ્રોલપંપ પાસે આ ઘટના બની હતી. પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી પર ફોર-વ્હીલ ગાડીમાં આવેલા હસમુખ પેઢડિયા ઉર્ફે પટેલ અને તેના સાગરિક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
આ મામલે અતુલ ભંડેરી દ્વારા જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં IPC કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટની કલમ 25(જી)(એ) સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ફરિયાદના આધારે કેસ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો. વરિષ્ઠ ધારાશાસ્ત્રી પી. એમ. બુચ અને કોમલબેન ભટ્ટની ધારદાર દલીલો અને તપાસને ધ્યાનમાં રાખીને, જામનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ એન. આર. જોશીએ હસમુખભાઈ પેઢડિયા અને યોગેશભાઈ અકબરીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સહાયક તરીકે અવની દેલવાડિયા અને ફેઝલ ચીર્યા રોકાયેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt