પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.): પાટણની લાયન્સ અને લીઓ ક્લબ દ્વારા ધારપુર સીએસસી (CSC) સેન્ટરના બાળકો માટે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ, આ વર્ષે પણ ગરીબ પરિવારોના બાળકો સુધી દિવાળીની ખુશીઓ અને પ્રકાશ પહોંચાડવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન થયું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે પાટણના બગવાડા દરવાજા ખાતે આવેલી લાયન્સ હોલમાં સીએસસી સેન્ટરના કુલ ૨૯ બાળકોને વિશેષ ભેટો આપી દેવાઈ. બાળકોને મીઠાઈ, ફટાકડા અને શોરૂમમાંથી પસંદગીના નવા કપડાં ખરીદી આપ્યા ગયા. સાથે સાથે, બાળકો માટે પિત્ઝા પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સન્માનયોગ્ય સેવાકીય પ્રવૃત્તિમાં પાટણની ઐતિહાસિક શ્રીમંત ફત્તેહસિંહરાવ લાઈબ્રેરી તથા પાટણના બેબાશેઠ પરિવાર પણ સહભાગી બન્યા હતા. બંને સંસ્થાઓ દ્વારા પણ બાળકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું. પૂર્વ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું કે, લાયન્સ અને લીઓ ક્લબ દ્વારા ગરીબ પરિવારોના ઘરો સુધી દીપાવલિના ઉજાસ અને આનંદ પહોંચાડવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ