સુરત ,17 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્ય મંત્રીમંડળમાં સુરતના નેતા પ્રફુલ પાનસેરિયાને ફરી સ્થાન મળતાં સમગ્ર શહેરમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. મંત્રીમંડળની યાદી જાહેર થતા જ પાનસેરિયાના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અનેક વિસ્તારોમાં એકઠા થઈને આનંદોત્સવ શરૂ કર્યો હતો.
સુરત શહેર સહિત તેમના મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓએ ફટાકડાં ફોડીને આકાશ ગુંજાવી દીધું અને એકબીજાને પેંડા ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. અનેક જગ્યાએ ઢોલ-નગારા સાથે ઉજવણી થઈ રહી હતી, તો ક્યાંક કાર્યકર્તાઓએ મંત્રીએના ફોટા સાથે નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે પ્રફુલ પાનસેરિયાની ફરીથી મંત્રી તરીકેની નિમણૂક સુરત માટે ગૌરવની બાબત છે. તેઓ હંમેશા લોકકલ્યાણ અને વિકાસકાર્ય માટે પ્રતિબદ્ધ રહ્યા છે. તેમના મંત્રિત્વમાં સુરતને અનેક નવી યોજનાઓ અને પ્રોજેક્ટનો લાભ મળશે તેવી અપેક્ષા કાર્યકર્તાઓમાં વ્યક્ત થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે