- માટીનાં દીવા થકી આત્મનિર્ભરતાનો અજવાશ પાથરતાં કિશોર પ્રજાપતિ
- સ્વદેશી અપનાવીએ, પરિશ્રમને અજવાળીએ, દીપાવલીને દીપાવીએ
- સ્વદેશી મેળામાં ઓપરેશન સિંદૂરની ઝાંખી કરાવતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કર્નલ સોફીયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘની માટીની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પંચતત્વ સાથે જોડાયેલી હોવાથી માટીકામ ઉત્તમ કળા છે : કિશોરભાઈ
રાજકોટ, 17 ઓકટોબર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુ સેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘને વિશ્વભરના મીડિયાને માહિતી આપવા માટે પસંદ કરવામાં આવ્યા. આ ગૌરવપૂર્ણ ક્ષણને માટીની પ્રતિકૃતિરૂપે કંડારી છે રાજકોટના કલાકાર કિશોર પ્રજાપતિએ. સ્વદેશી મેળામાં ઓપરેશન સિંદૂરની ઝાંખી કરાવતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કિશોર પ્રજાપતિ માટીની કલાકારીમાં નિપુણ છે. તેઓ કહે છે કે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પંચતત્વ સાથે જોડાયેલી હોવાથી માટીકામ ઉત્તમ કળા છે. માટી એટલે પૃથ્વી તત્વ, તેમાં પાણી ભળે એટલે જળ તત્વ, તેને આકાર આપવા પકવવી પડે એટલે અગ્નિ તત્વ, પછી તેને પવનથી સૂકવવું પડે એટલે વાયુ તત્વ અને તેના માટે ખૂલ્લી જગ્યાએ રાખવું પડે એટલે આકાશ તત્વ. આમ, માટીની વસ્તુઓ બનાવવામાં પાંચેય તત્વોની જરૂર પડે છે. મારા માટે માટીની ચીજવસ્તુઓ પરિજનો સમાન છે.
માટીની બનાવટ માટે જમીનને ખોદી, માટી કાઢવાથી લઈને કાંકરા વીણવા, તેને ભાંગવા, પાણી ગાળવું, કાચો માલ મશીનથી ખુંદવો, ચાકડા પર ચડાવીને વસ્તુઓને ફિનિશિંગ આપવા સુધીનું કામ કરવામાં આવે છે. અલગ-અલગ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે છત્રીસ જાતના કાંઠા હોય છે. માટી પણ જુદા-જુદા પ્રકારની હોય છે. રાજકોટ-જામનગરની માટી કાળી, વાંકાનેર-થાનની માટી લાલ તો કચ્છની માટી કોફી અને આછા પીળા રંગની હોય છે. રાજસ્થાનની માટી ઉચ્ચ ગુણવત્તાસભર હોય છે, જેનાથી વસ્તુઓ મજબૂત બને છે. માટી જીવને ઠંડક આપે છે. માટીની મહેક અનેરી હોય છે. માટીના વાસણમાં બનાવેલી રસોઈમાં મીઠાશ હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજકોટના રેલનગરમાં રાજનગર ચોક પાસે ક્રિષ્ના મિટ્ટી કુલ દુકાન ધરાવતાં કિશોરભાઈ માટીમાંથી દીવા, માટલા, તાવડી, કુંજો, કટોરા, દહીં હાંડી, પંખીઓને પાણી પીવાના કુંડા, ગણપતિજીની મૂર્તિ, ગરબા, રમકડાં જેવી વસ્તુઓ ઘરે બનાવીને વેચે છે, જ્યારે માટીની પાણીની બોટલ, પ્યાલા, શો પીસ જેવી ફેન્સી ચીજો ખરીદીને વેચે છે. ઉપરાંત, ભભલી (પાણી ભરવા), બદક (પાણી પીવા), ગોળી (છાશ બનાવવા) જેવી પ્રાચીન વસ્તુઓ પણ બનાવે છે, જેનો શ્રેય તેઓ તેમના પિતાને આપે છે. એટલું જ નહીં, તેઓ પોતાની આંખે પાટા બાંધીને એક મિનિટમાં ૧૪ દીવા બનાવી શકે છે. તેઓ 5 વર્ષથી સમયાંતરે બંધ આંખે માટીની વિવિધ વસ્તુઓ બનાવે છે. તેમને બે પ્રજ્ઞાચક્ષુઓને ખરીદી કરતાં જોઇને આ બાબતે પ્રેરણા મળી હતી. ખૂબીની વાત એ છે કે, કારીગરની આ કરામતથી વસ્તુના આકારમાં કોઈ ચૂક થતી નથી.
કિશોરભાઈ જણાવે છે કે, માટીકલાના વ્યવસાયમાં મહિને સરેરાશ 15 હજાર જેટલો નફો મળે છે. આપણા પી.એમ. નરેન્દ્ર મોદીએ આપેલા 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી અપનાવો'નો મંત્ર ચરિતાર્થ થવાથી સામાન્ય કારીગરોની કલાકારીને પ્રોત્સાહન મળ્યું છે.
ગુજરાત સરકારના સ્વદેશી મેળા જેવા મેળાઓમાં વિનામૂલ્યે સ્ટોલ મળવાથી અમારા વ્યવસાયને વેગ મળે છે. નામશેષ થવાના આરે આવેલા ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર કાર્યરત છે. ત્યારે નરેન્દ્રભાઈને ઘોરાડ પક્ષીની માટીની પ્રતિકૃતિ ભેટ આપવાની મારી ઈચ્છા છે.
દિવાળીના તહેવારો હવે શરૂ થવા જઈ રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી ટેકનોલોજીના સમયમાં પણ ચાકડા પર બનેલાં માટીના દીવા જાણે સ્વદેશી અજવાશ ફેલાવી રહ્યાં છે. દિવાળી સમયે દેશમાં ઉત્પાદિત ચીજોની ખરીદી કરવી, એ જરૂરિયાતમંદ કારીગરોના જીવનમાં આજીવિકા વધવાની આશાના કિરણ સમાન છે. હાલમાં પ્લાસ્ટિકમુક્ત અભિયાન ચાલી રહ્યું છે. જેને સફળ બનાવવા પણ પ્લાસ્ટિકની બોટલના બદલે પાણીની બોટલનો ઉપયોગ કરવો જોઈએ. કુદરતી સંસાધનોમાંથી વસ્તુઓ બનાવવી પર્યાવરણ જતન માટે જરૂરી છે. ત્યારે આપણે શેરી-ફેરીયાઓ, લારીવાળાઓ, પાથરણાવાળાઓ પાસેથી ખરીદી કરીએ. સ્વદેશી અપનાવીએ, પરિશ્રમને અજવાળીએ, દીપાવલીને દીપાવીએ.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ