પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ નજીક હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આગળ જઈ રહેલા ટ્રેક્ટરના ટોલાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કાર રોડ પર પલટી મારી ગઈ હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પલટી ખાઈ ગયેલી કારમાંથી બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ઝડપી હાથ ધરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ