ગાંધીનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા તેમને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા હતા.
જ્યારે કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા. આ ઉપરાંત ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નહોતા.
નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસ.સી. અને 4 એસ.ટી.નો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા છે.
નવા મંત્રીમંડળની યાદીમાં સૌથી મોટો ફેરફાર એ છે કે, 10 જેટલા જૂના મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. આગામી ચૂંટણી અને સંગઠનની વ્યૂહરચનાના ભાગરૂપે આ દિગ્ગજ નેતાઓને સ્થાન અપાયું નથી, જેમાં બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, બચુ ખાબડ, મૂળુ બેરા, કુબેર ડિંડોર, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ, જગદીશ વિશ્વકર્મા, ભાનુબહેન બાબરિયાનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ