જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : સરકાર દ્વારા વોકલ ફોર લોકલના સુત્રને સાકાર કરવા તેમજ સ્વદેશી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે અને લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે તે માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં સખી મંડળના બહેનો દ્વારા વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે.
મહાકાલી સ્વસહાય જૂથના મહિલા શિવાંગીબા ચૌહાણ જણાવે છે કે, દિવાળીના તહેવાર દરમિયાન સરકાર દ્વારા તેઓને ખુબ સારો ટેકો મળ્યો છે. એક અઠવાડિયા માટે જામનગરમાં શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવતા વડાપ્રધાનશ્રીના સ્વદેશી વસ્તુઓ અપનાવવાના સૂત્રને સાર્થક કરવાનો મોકો મળ્યો છે.
ગ્રુપની મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારની હેન્ડમેડ વસ્તુઓ બનાવવામાં આવે છે તેમાં તેઓ તોરણ, ટોડલીયા, પૂજા થાળી, શોપીસ, દિવાળીના તહેવાર દરમિયાન સુશોભનની વસ્તુઓ ઉપરાંત મુખવાસનું વેચાણ કરે છે. શિવાંગીબા લોકોને વિનંતી કરતા જણાવે છે કે, બધા સ્વદેશી વસ્તુઓ અપનાવે તો સ્થાનિક લોકોનો જ વેપાર થશે અને તેઓ આગળ વધશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt