જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે, ધ્રોલ ખાતેની બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના NCCના વિદ્યાર્થીઓ માટે ટીબી રોગ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં શાળાના 8 કેડેટ્સ 'નિ-ક્ષય મિત્ર' તરીકે જોડાઈને ટીબી નાબૂદીના રાષ્ટ્રીય સંકલ્પ લઈ સહભાગી બન્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ તેમજ ધ્રોલ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ફોજેના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસ.બી.સી.સી. ચિરાગ પરમાર અને ધ્રોલ તાલુકાના ટીબી સુપરવાઈઝર રક્ષિત વાછાણી દ્વારા બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ના ૭૦થી વધુ NCCના વિદ્યાર્થીઓને ટીબી રોગના ફેલાવા, તેના લક્ષણો, નિદાન અને સારવાર અંગે તેમજ સરકાર દ્વારા અપાતી નિ-ક્ષય પોષણ યોજના વિશે સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.NCCના વિદ્યાર્થીઓને ટીબી રોગ વિશે માર્ગદર્શન આપવાનો મુખ્ય હેતુ એ હતો કે ટીબી રોગની સારવાર ૬ મહિનાની કે તેથી વધુ સમયની હોય છે અને આ લાંબા ગાળા દરમિયાન દર્દીને માનસિક આધારની જરૂર હોય છે. આથી, જરૂર લાગે તો વિદ્યાર્થીઓ દર્દીને પ્રાથમિક માર્ગદર્શન અને ભાવનાત્મક આધાર પૂરો પાડી શકે. આ સેવા રૂપી કાર્યમાં NCCના વિદ્યાર્થીઓ 'નિ-ક્ષય મિત્ર' તરીકે જોડાઈને માનવસેવા માટે સક્રિય બન્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt