સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ, 100થી વધુ વાહનમાં તોડફોડ-આગચંપી
- પ્રેમલગ્ન અને મંદિર વહીવટની જૂની અદાવતમાં ઘર્ષણ હિંમતનગર/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ.) આજથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં જૂથ અથડામણની ગંભીર ઘટના સામે આવી છે. મજરા ગામમાં બે જૂથ વચ્ચે તીવ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ


- પ્રેમલગ્ન અને મંદિર વહીવટની જૂની અદાવતમાં ઘર્ષણ

હિંમતનગર/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ.) આજથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં જૂથ અથડામણની ગંભીર ઘટના સામે આવી છે. મજરા ગામમાં બે જૂથ વચ્ચે તીવ્ર અથડામણ થતા ગામનું તણાવગ્રસ્ત વાતાવરણ સર્જાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગામમાં ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારો અને તોડફોટની ઘટના બની હતી. બે જુઓએ એકબીજાના મકાન અને વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી અને આગ પણ લગાવી હતી, જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. જોકે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત કરાવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતાં સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં 7થી 8 લોકોને ઈજા પહોંચી હતી. આ અથડામણમાં કુલ 100 જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, કેટલાક ઘરોના બારી-બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે. એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે.

ડીવાયએસપી અતુલ કે.પટેલે જણાવ્યું હતું કે,પોલીસે 60 વ્યક્તિ સામે નામજોગ સહિત 120 સામે ગુનો દાખલ કર્યો છે. જુની અદાવતમાં બબાલ થઇ હતી. આ જૂથ અથડામણમાં 10થી વધુ લોકોને ઇજા થઇ છે. 20થી વધુ વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે.

મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ સ્પષ્ટ થયો છે. ગામમાં આવેલા ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતાં વિવાદોમાંથી આ ઘર્ષણ સર્જાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, પરંતુ તેના પૂર્વે જ ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભારે જૂથ અથડામણ થઈ હતી.

ઘટનાની જાણ થતાં જ મોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે હિંમતનગરના ડીવાયએસપી એ.કે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, હિંસા ફેલાવનારા 25થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ (અટકાયત) કરવામાં આવ્યા છે. હાલમાં મજરા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસે બંને જૂથ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે

બે જૂથ સામસામે આવી જતાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ પરિસ્થિતિ વણસી ગઈ હતી. અસામાજિકતત્વોએ લાકડીઓ વડે મારામારી કરી હતી, ત્યાર બાદ ભારે પથ્થરમારો કર્યો હતો અને અનેક વાહનોમાં આગચંપી અને તોડફોડ કરી હતી.હિંસામાં 26 કાર, 50થી વધુ બાઈક, 6 ટેમ્પો અને 3 ટ્રેક્ટરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

ગ્રામપંચાયતના સદસ્ય જગદીશ પટેલે જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલાં પણ નાનું છમકલું થયું હતું, બે દિવસ પહેલાં પણ થયું. જો કે, અમે તેને ગંભીરતાથી લીધું ન હતું. જો કે, કાલ રાત્રે નવ વાગ્યા પછી મોટી બબાલ થઇ હતી. એ લોકોએ પટેલોના ઘરે જઇ જઇને તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું. દિવાળીને લઇને જ બબાલ થઇ અને આ લોકોએ મોટું સ્વરૂપ આપી દીધું.

'આખા ગામમાં જેટલા પણ પટેલોનાં ઘર છે ત્યાં નુકસાન પહોંચાડ્યું'

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હિંસાનું મુખ્ય કારણ ભૈરવદાદાના મંદિરનો વહીવટ છેલ્લા એક વર્ષથી ઠાકોર સમાજે લઈ લીધો છે. આ ઉપરાંત, ઠાકોર સમાજના જગતસિંહ ડાયુસિંહ મકવાણાએ વર્ષો પહેલાં કરેલા પ્રેમલગ્નને કારણે પટેલ સમાજ સાથે તેમને થયેલા સામાજિક વિચ્છેદ અને હાલમાં જગતસિંહની પુત્રી શ્વેતાબા સરપંચ તરીકે ચૂંટાતાં સર્જાયેલા સંજોગો પણ અદાવતનું કારણ છે.

ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ ભૈરવદાદાના મંદિરની આરતી શરૂ થયા બાદ સવા દસ વાગ્યે પ્રભાતસિંહ જેસંગજી અને જગતસિંહ ઉર્ફે જે.ડી. મકવાણા સહિત 110થી 120 લોકોનું ટોળું લાકડીઓ, ધારીયા અને લોખંડની ટોમી જેવા હથિયારો સાથે પટેલ સમાજના ફળિયા તરફ ધસી આવ્યું હતું.

ડીવાયએસપી અતુલ પટેલે વધુમાં ઉમેર્યું કે, હાલ આ મામલે પોલીસ તરફથી રાયોટિંગ (હુલ્લડ) અને ગેરકાયદે મંડળી રચવા સહિતના ગુના હેઠળ FIR નોંધવામાં આવી છે અને 60 વ્યક્તિઓ સામે નામજોગ સહિત કુલ 110થી 120 હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande