જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઓક્ટોબર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈને કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ તથા સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ સરકારી વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં માર્ગના કામો, સિંચાઇ વિભાગ, પી.જી.વી.સી.એલ., ખેતીવાડી, શિક્ષણ વિભાગ, મકાન વિભાગ (પંચાયત), વાસ્મો, બસના રૂટ નિયમિત કરવા અંગે અને જમીન માપણી અંગેના પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે, પડતર કામો અને રજુઆતોનો સકારાત્મક દિશામાં અને સમય મર્યાદામાં ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, મરીન વિભાગના નાયબ વન સંરક્ષક સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt