વડોદરા, 18 ઓકટોબર (હિ.સ.): રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. વડોદરામાં અટલાદરા-પાદરા રોડ પર મોપેડ અને બુલેટ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ચાર મહિનાના બીમાર બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બાળક ત્રણ મહિનાથી બીમાર હોઈ, માતા-પિતા તેને સારવાર માટે લઈ જઈ રહ્યાં હતાં ત્યારે જ અકસ્માત સર્જાયો હતો.
વડોદરા શહેરના છેવાડે આવેલા બિલ ખાતે વુડાના મકાનમાં રહેતો ચૌહાણ પરિવાર ગુરુવારે અડધી રાત્રે તાવથી પીડિત 4 મહિનાના દીકરાને મોપેડ પર લઈને સારવાર માટે વડોદરા આવવા નીકળ્યો હતો. દરમિયાન નારાયણ વાડી પાસે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવવા વળાંક લેતાં અચાનક બે મોપેડ વચ્ચે એટલો ભયાનક અકસ્માત સર્જાયો કે જેમાં 4 મહિનાનું બાળક 7 ફૂટ ઊંચું ઊછળીને પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેનાં માતા-પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.
આ સમગ્ર બનાવના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
બિલમાં વુડાના મકાનમાં રહેતા ભરત ચૌહાણ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમના 4 મહિનાના દીકરા દિવ્યાંશને ગુરુવારે તાવ આવતો હોવાથી તે ખૂબ જ રડી રહ્યો હતો. એને કારણે રાતે 12 વાગ્યાના અરસામાં ભરતભાઈ અને તેમની પત્ની સોનલબહેન મોપેડ પર દિવ્યાંશને લઈને સારવાર માટે વડોદરા આવવા નીકળ્યાં હતાં. વડોદરા તરફથી આવતા પૂરઝડપે બુલેટચાલકે ચૌહાણ પરિવારને અડફેટે લીધો હતો, જેમાં 4 મહિનાનો દિવ્યાંશ 7 ફૂટ ઊંચે ઊછળી રોડ પર પટકાયો હતો, જેને પગલે તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. ભરતભાઈ અને સોનલબહેનને પણ ગંભીર ઈજા પહોંચી હતી. વધુ સારવાર માટે તેમને ગોત્રી જીએમઈઆરએસ અને ત્યાંથી સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. બનાવ અંગે અટલાદરા પોલીસે બુલેટચાલક કાવ્ય પટેલ સામે તપાસ હાથ ધરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ