ગીર સોમનાથ, 18 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા માર્ગ સલામતિની બેઠકમાં જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે તેમજ કાર્તિકી પૂર્ણિમાના મેળા અંગેની બેઠકમાં મેળાના સુચારૂ આયોજન અને મેળામાં મહાલવા આવતા નાગરિકો વ્યવસ્થિત મેળો માણી શકે એ માટેના આયોજન વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
જિલ્લા માર્ગ અને સલામતિ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી યુવરાજસિંહ વાઘેલાએ શાંતિપરાથી સોમનાથ સર્કલ સુધી રાજમાર્ગ પર બંધ પડેલી સ્ટ્રીટલાઈટ અંગે, નમસ્તે સર્કલ પર અનધિકૃત રીતે પોસ્ટર દૂર કરવા બાબતે તેમજ શિલોજ પ્રાથમિક શાળા ખાતે બેરિકેડ અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમ રજૂ કર્યું હતું.
કલેક્ટરએ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા તેમજ જરૂર જણાયે રમ્બલ સ્ટ્રીપ અને સાઈનબોર્ડ લગાવવા માટે સૂચનાઓ આપી હતી.
જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ અકસ્માતનું પ્રમાણ વધુ હોય એવા વિસ્તારમાં અવરોધક ઝાડી-ઝાંખરા દૂર કરવા, અકસ્માતને સંલગ્ન જાહેરનામાં ભંગના કેસો કરવા તેમજ અકસ્માતોની શક્યતા લાગતા ગ્રામ્ય વિસ્તારોમાં ગામથી એપ્રોચ રોડ નીકળતો હોય એવા વિસ્તારમાં બેરિકેડ લગાવવા સૂચનો કર્યા હતાં.
ભગવાન શિવના સાન્નિધ્યે તા.૦૧.૧૧.૨૦૨૫ થી ૦૫.૧૧.૨૦૨૦૫ દરમિયાન યોજાનાર કાર્તિકી પૂર્ણિમાના મેળા અંતર્ગતની બેઠકમાં સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી મેળાની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સહિત, સાંસ્કૃતિક કાર્યક્રમોના મંચ, ખાણી-પીણીના વિવિધ સ્ટૉલ, બાળકો માટેની મનોરંજક રાઈડ્સ સહિતની વ્યવસ્થાઓ વિશે વિગતે જણાવ્યું હતું.
કલેક્ટર અને જિલ્લા પોલીસવડાએ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, પૂરતો પોલીસ બંદોબસ્ત, કાર અને બાઈકની પાર્કિંગ વ્યવસ્થા નિશ્ચિત કરવા, વિવિધ સ્થળો પર લોસ્ટ એન્ડ ફાઉન્ડ કાઉન્ટર, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા તેમજ આરોગ્ય જાળવણી અને મેળાના સ્થળ પર કાયમી સ્વચ્છતા અને ફાયર ફાઈટર સહિતના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપી અને નાગરિકોની સુવિધાલક્ષી આયોજન અંતર્ગત વિશેષ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર.પરમાર, નાયબ પોલીસ અધિક્ષક સર્વ વી.આર.ખેંગાર, સી.પી.ખટાણા, ચૌધરી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ