જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : નાગરિકોમાં આંખની સંભાળ અને દ્રષ્ટિ સંબંધિત રોગો અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત 'વિશ્વ દ્રષ્ટિ દિન' ની ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણીના ભાગરૂપે કુલ ૧૫૫ જેટલા દર્દીઓને આંખના વિવિધ રોગો, તેની નિદાન પ્રક્રિયા અને સારવાર વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત બાળકોને પણ આંખની સંભાળ અને દ્રષ્ટિ ખામીઓ વિશે સરળ ભાષામાં માહિતી આપી જાગૃત કરાયા હતા.
વધુમાં, આંખ વિભાગના રેસીડેન્ટ ડોકટરોએ દર્દીઓને આંખના મુખ્ય રોગો જેવા કે, મોતિયો, ઝામર અને દ્રષ્ટિ ખામીઓ અંગેની ગંભીરતા સમજાવી, તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવી હતી. આ વિશ્વ દ્રષ્ટિ દિન નિમિત્તે જામનગર જિલ્લાના જામજોધપુર તથા કાલાવડ તાલુકાના મોટા વડાલા ગામે પણ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યાં આંખ વિભાગના ડોક્ટર અને ઓપ્થાલ્મિક આસિસ્ટન્ટ્સ દ્વારા ગ્રામ્ય દર્દીઓને વિનામૂલ્યે આંખની તપાસ અને સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ડો. નિશાંત ડી. સોલંકી (આસિસ્ટન્ટ પ્રોફેસર તથા પ્રોગ્રામ ઓફિસર NPCB & VI) અને આંખ વિભાગના ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt