ગાંધીનગર, 18 ઓક્ટોબર (હિ.સ.): જ્યોત સે જ્યોત જગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો... દીવાળીનો ઝગમગાટ ગાંધીનગર શહેરમાં ચારે તરફ દૃશ્યમાન છે અને સૌ પોતપોતાની ક્ષમતા પ્રમાણે દીવાળીની ઉજવણી કરવામાં મસ્ત અને વ્યસ્ત છે ત્યારે આપણી આસપાસના શ્રમજીવી પરિવારના બાળકોને પણ મીઠાઈ આપવી જોઈએ અને એમનું મોં મીઠું કરવું જોઈએ એવા ભાવ સાથે જોય-ઓ-મેકર્સ દ્વારા દીવાળી પર્વ મનાવવામાં આવ્યું.
ગાંધીનગરની ટીનેજર ગર્લ નિયાશી મહિપતસિંહ પરમાર ૧૦માં ધોરણમાં ભણે છે અને માત્ર ૧૪ વર્ષની છે. એણે અભ્યાસની સાથે સમાજસેવાનું સુંદર કાર્ય કર્યું છે. ગાંધીનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. મહિપતસિંહ પરમાર અને જાણીતાં ડેન્ટિસ્ટ ડૉ. પૌલમી પરમારની નાની દીકરી નિયાશી પરમાર ‘જોય-ઓ-મેકર્સ’ દ્વારા સેવાના કાર્યો અવારનવાર રીતે અભ્યાસની સાથે કરતી રહે છે.
વાક બારસના પવિત્ર દિવસે ગાંધીનગર સેક્ટર – ૧૩, મહાત્મા મંદિર પાસે આવેલી શ્રમજીવી વસાહતમાં નિયાશી પરમાર અને એનાં સાથી મિત્રોએ મળીને લગભગ ૭૧ બાળકો સાથે ગીત ગમ્મત અને વાર્તા સાથે દીવા પ્રગટાવી આ તક વંચિત બાળકો સાથે દીવાળી મનાવી હતી. કાર્યક્રમની શરૂઆત નિયાશી પરમાર અને અનન્યા થોરાતે પ્રાર્થનાથી કરી હતી જેમાં ત્રણ બાળાઓ જોડાઈ હતી અને સૌએ સાથે મળીને પ્રાર્થના કરી હતી. દિવાળી નિમિત્તે પાંચ દીવા પ્રગટાવી સૌને દીવાળીની શુભકામનાઓ આપવામાં આવી હતી. જાણીતા કોલમ લેખક અને વાર્તાકાર સંજય થોરાતે મજાની વાર્તા કહીને બાળકોને રાજી કર્યા હતા.
‘જોય-ઓ-મેકર્સ’ દ્વારા સૌ બાળકોને પાંચ દીવા અને મીઠાઈનું બોક્સ આપવામાં આવ્યું હતું. મીઠાઈ વિતરણ કાર્યમાં નિયાશી પરમાર સાથે સંજય થોરાત, ડૉ. પૌલમી પરમાર, ડૉ. ક્રિશી પનારા, લીના રાઠોડ, વિશાલ ઠાકોર, ક્રિશ પનારા અને અનન્યા થોરાત જોડાયાં હતાં. નિયાશી પરમાર ખાસ ‘હેપ્પી દિવાલી’ ચિત્રો બનાવીને લઈ આવી હતી. શ્રમજીવી વસાહતના રાજુભાઈ, રાકેશભાઈ અને નરેશ રાવળે જરૂરી વ્યવસ્થા એમના ઘર આંગણે કરી આપી હતી. ‘જોય-ઓ-મેકર્સ’ ભવિષ્યમાં પણ બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ જાય એવા સમાજસેવાના કાર્યમાં એમનું યોગદાન આપશે એવી ખાતરી નિયાશી પરમારે આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ