પાટણ, 18 ઓક્ટોબર (હિ.સ.): ધનતેરસથી શરૂ થઈ લાભ પાંચમ સુધી ચાલનારા દિવ્ય દીપોત્સવી મહોત્સવનું આયોજન કરાયું છે. સદીઓ જૂની પરંપરા અનુસાર યોજાતા આ મહોત્સવમાં ભક્તો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પુજાઓનું આયોજન થશે. સમગ્ર મંદિર પરિસર તાજાં ફૂલો અને શૃંગારથી શોભાયમાન બનશે અને શ્રીમાતાજીના રોજના અલગ અલગ શૃંગારના દર્શન થશે.
18 ઓક્ટોબર, 2025 (શનિવાર, ધનતેરસ) ના રોજ રાત્રે 9:20 કલાકે ધન-ધન્વંતરી પૂજન યોજાશે. 19 ઓક્ટોબર, 2025 (રવિવાર, કાળીચૌદશ)ના રોજ રાત્રે 8 થી 11 કલાકે ભવ્ય કાલીપૂજા અને ભદ્રકાળી માતાજીના અઢાર હાથના દર્શન થશે. આ પૂજામાં 'ક' અક્ષરથી શરૂ થતા 1008 નામોનું ઉચ્ચારણ થશે. શ્રદ્ધાળુઓએ માતાજીની મૂર્તિ કે ફોટા સાથે ચોખા અથવા ફૂલ લાવવા રહેશે. બાજોઠ અને આરતીની થાળીની વ્યવસ્થા મંદિર તરફથી કરાશે. સ્થળ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે, પરંતુ ખાસ મહેમાનો માટે જગ્યાઓ આરક્ષિત રહેશે. 22 ઓક્ટોબર, 2025 (બેસતું વર્ષ) ના રોજ સવારે 6થી રાત્રિના 10 વાગ્યા સુધી શ્રીમાતાજીના અલૌકિક શૃંગાર દર્શન અને લોકમેળાનું આયોજન છે. 24 ઓક્ટોબર (ત્રીજ) ના રોજ સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન મળશે. 25 ઓક્ટોબર (ચોથ) ના રોજ સમગ્ર દિવસ હિંડોળાના દર્શન થશે.
સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યજ્ઞનું આયોજન થશે. સાંજે 6:15 વાગ્યે શ્રીમાતાજીના કિલ્લા ઉપર સળગતી ખપ્પરની અલભ્ય ઝાંખી થશે. સમગ્ર મહોત્સવનો ઉદ્દેશ પાટણ શહેર અને સમગ્ર માનવજાતના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ