જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) આજે ધન્વંતરી ત્રયોદશી એટલે કે ધનતેરસના પવિત્ર અવસરે જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (આઈ.ટી.આર.એ.) ખાતે ભગવાન ધન્વંતરીજીનું પૂજન કરવામાં આવ્યું. આયુર્વેદના ઉપાસકો માટે આ દિવસ અત્યંત મહત્વનો છે, કારણ કે તે આયુર્વેદના દેવ ભગવાન ધન્વંતરીજીનો પ્રાગટ્ય દિવસ છે.
આયુષ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત આવતી આ સંસ્થામાં ભગવાન ધન્વંતરીજીની પ્રતિમાનું પૂજન-અર્ચન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના નાયબ નિદેશક પ્રોફેસર વર્ષાબેન સોલંકી, ડીન વૈદ્ય હિતેશ વ્યાસ, તમામ વિભાગીય વડાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સૌએ સાથે મળીને ધન્વંતરી વંદના દ્વારા સમગ્ર વિશ્વના જીવોનું સ્વાસ્થ્ય કલ્યાણ થાય તે માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. માન્યતા અનુસાર, ભગવાન ધન્વંતરીજીનું પૂજન કરવાથી ઉત્તમ આરોગ્ય પ્રાપ્ત થાય છે. જામનગરને આયુર્વેદની જનક અને તપોભૂમિનું બહુમાન મળેલું છે. ત્યારે ધન્વંતરી ત્રયોદશીના આ પાવન પ્રસંગે ભગવાન ધન્વંતરીજીની આરાધના ખરા અર્થમાં 'આયુર્વેદ લોકો માટે, પૃથ્વીના કલ્યાણ માટે'ના સૂત્રને ચરિતાર્થ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt