પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર-છાંયા નગરપાલીકા સમયે પોરબંદરના પ્રવાસનને વિકસાવવા અને શહેરીજનોની સુવિધા હેતુ 41 કરોડ થી વધુ રકમના માતબર ખર્ચ સાથે પોરબંદરમાં અસ્માવતી રીવરફ્રન્ટ નું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ખુબ વિશાળ જગ્યામાં આ શહેરની સુવિધા રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ જગ્યામાં બાળકોના રમત-ગમત, યુવાનો માટે વોકીંગ-સાયકલીંગ, બોટીંગ સહીત ની સુવિધાઓ ઉપલબ્ધ થયેલ છે, શહેરીજનો અને આસપાસના પ્રવાસીઓ આ જગ્યાનો પુરતો ઉપયોગ કરી આનંદ માણી રહયા હતાં તેમજ પ્રવાસીઓ માટે આ સ્થળ એક આકર્ષણ નું કેન્દ્ર બનેલ છે. આટલું મોટું રોકાણ કર્યા બાદ કોન્ટ્રાકટ પુર્ણ થયેલ હોવાના કારણ સાથે આશરે દોઢ બે માસથી આ જગ્યા બંધ કરી દેવામાં આવેલ છે અને તંત્ર દ્વારા તાળા લગાડી પ્રવેશબંધી કરવામાં આવેલ છે.સરકારે પ્રજા માટે કરેલ આવા જાહેર સંકુલનો ઉપયોગ ન થાય તે કોઈપણ સંજોગોમાં વ્યાજબી બાબત નથી અને જન્માષ્ટમી અને નવરાત્રી જેવા તહેવારો નો તો શહેરીજનો એ લ્હાવો ગુમાવ્યો છે પરંતુ આગામી સમયમાં દીવાળી પર્વ જેવા તહેવારો અને રજાઓ આવી રહેલ છે ત્યારે શહેરીજનો અને પ્રવાસીઓ માટે આ રીવરફન્ટ વાળી જગ્યા તાત્કાલીક અસરથી ખોલી આપી જરૂરી સુવિધાઓ પુર્ણ કરવામાં આવે તેવી સમગ્ર શહેરીજનો વતી પોરબંદર નાગરિક સંગઠન દ્વારા લેખિત આવેદન પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya