જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સરકારના નાણાં મંત્રાલયના માર્ગદર્શન હેઠળ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – લીડ બેંક જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે જિલ્લા સ્તરીય અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન હેઠળ“તમારી મૂડી, તમારો અધિકાર” વિષયે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જામનગર જિલ્લાની તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા વિશેષ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સ પર જામનગર જિલ્લાના નાગરિકોને તેમની અનક્લેમ્ડ ડિપોઝિટ્સ, જૂના એકાઉન્ટ્સ અને DEAF દાવાઓ (Depositor Education and Awareness Fund Claims) સંબંધિત માહિતી, જરૂરી ચકાસણી અને સ્થળ પર જ તાત્કાલિક નિરાકરણ માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ મેગા કેમ્પનો જામનગર જિલ્લાના ૧૨૦ જેટલા નાગરિકોએ લાભ લીધો હતો. આ અભિયાનના ફળસ્વરૂપે કુલ ૫૫ લાભાર્થીઓના રૂ. ૫૨,૧૮,૨૪૫/- ના ક્લેમ પૈકી ૩૦ લાભાર્થીઓને રૂ. ૩૦,૦૮,૫૧૨/- ની તેમની અનક્લેમ્ડ રકમ તથા એકાઉન્ટ સંબંધિત માહિતી મેળવવામાં અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ મળી હતી. લીડ બેંક મેનેજર પ્રદીપ પટેલ ના માર્ગદર્શનમાં આયોજિત આ કેમ્પ જામનગર જિલ્લાના નાગરિકોને તેમની હકક અને મૂડી પાછી મેળવવામાં મદદરૂપ થયો હતો.
આ કેમ્પમાં નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, સહિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના DGM રાજેશ, AGM શ્રીવાસ્તવ, સાવલિયા, બેંક ઓફ બરોડાના DRM સાહા, LDM પ્રદીપ પટેલ, ચીફ મેનેજર સત્યમ ભારતી, RSETI ના નિયામક વિજય સિંહ આર્યા તથા FLC કાઉન્સિલર ખોખર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt