સુરત, 18 ઓક્ટોબર (હિ.સ.)-સુરતના ડીંડોલી વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગનો પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકો અને પરિવારજનો રોડ પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ભીડે પથ્થરમારો કરતાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો.
મૃતકની ઓળખ દિલીપ સુનીલ જમાદાર (ઉંમર 19) તરીકે થઈ છે, જે ડીંડોલીના શ્રીનાથનગર સોસાયટીમાં રહેતો હતો અને ઉધના રોડ નંબર-6 પર આવેલી જરીના કારખાનામાં નોકરી કરતો હતો. તેનું મૂળ વતન બિહારના નાલંદા જિલ્લાના મહેતામાં ગામે છે. હાલમાં તે સુરતમાં પોતાના માસાના ઘરે રહેતો હતો, જ્યારે તેના માતા-પિતા હૈદરાબાદમાં મજૂરી કરે છે.
લૂંટનો પ્રતિકાર કરતાં જીવલેણ હુમલો
17 ઓક્ટોબરના રોજ દિલીપ કામ પરથી ઘરે પરત ફરતો હતો ત્યારે રેલવે પટરી નજીક કેટલાક અજાણ્યા શખ્સોએ તેને રોકી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો. દિલીપે હિંમતપૂર્વક પ્રતિકાર કરતાં જ હુમલાખોરોએ તેના પર ચપ્પુથી હુમલો કરી દીધો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
લોકોનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે તંગદિલી
હત્યા બાદ મોટી સંખ્યામાં લોકો અને પરિવારજનો એકત્ર થઈને ન્યાયની માંગ સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો ઇનકાર કર્યો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસે સ્થળ પર ભારે બંદોબસ્ત ગોઠવ્યો. આ દરમિયાન ભીડે પથ્થરમારો કરતાં એક પોલીસકર્મી માથામાં ઈજાગ્રસ્ત થયો અને પરિસ્થિતિ અફરાતફરીભરી બની ગઈ.
ઉચ્ચ અધિકારીઓએ કર્યો દખલ
પરિસ્થિતિ વણસતી જોઈને ડીસીપી રાજેશ પરમાર અને એસીપી દીપ વકીલ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પરિવારજનો અને સ્થાનિકોને કડક કાર્યવાહીના આશ્વાસન આપી શાંત કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો.
હાલ ડીંડોલી પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે અને તેમની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે