કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજા કેબિનેટ મંત્રી બનતા તાલુકામાં ઉત્સવનો માહોલ, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ઉજવણી કરી..
ગીર સોમનાથ 19 ઓક્ટોબર (હિ.સ.) દિવાળી પર્વના દિવસ કોડીનાર શહેર અને સમગ્ર તાલુકામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. કોડીનારના લોકપ્રિય ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજાને રાજ્ય સરકારના નવા કેબિનેટ મંત્રીમંડળમાં સ્થાન મળતાં આ ખુશી બમણી થઈ ગઈ છે. લાંબ
કોડીનાર તાલુકામાં ઉત્સવનો માહોલ


ગીર સોમનાથ 19 ઓક્ટોબર (હિ.સ.) દિવાળી પર્વના દિવસ કોડીનાર શહેર અને સમગ્ર તાલુકામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. કોડીનારના લોકપ્રિય ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજાને રાજ્ય સરકારના નવા કેબિનેટ મંત્રીમંડળમાં સ્થાન મળતાં આ ખુશી બમણી થઈ ગઈ છે. લાંબા સમયગાળા બાદ કોડીનાર તાલુકાને મંત્રી પદનું ગૌરવ મળતાં સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

ડો. પ્રદ્યુમન વાજાને કેબિનેટમાં સ્થાન મળ્યા ને મંત્રી તરીકે ના શપથ લેતાની સાથે જ સ્થાનિક સ્તરે ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોડીનાર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને જશ્ન મનાવ્યો હતો. કાર્યકરોએ ભારે આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી, મીઠાઈઓ વહેંચી હતી અને ડો. પ્રદ્યુમન વાજા ઝિંદાબાદ, કોડીનારનો ગૌરવ જેવા નારા લગાવ્યા હતા. આ પ્રસંગે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચીને અને ઘૂમર નૃત્ય સાથે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

આ તકે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓએ ડો. વાજાને આ પદ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “ડો. પ્રદ્યુમન વાજા જમીન સ્તરેથી લોકો સાથે ગાઢ રીતે જોડાયેલા નેતા છે. તેમને મંત્રીમંડળમાં સ્થાન મળવાથી માત્ર કોડીનાર જ નહીં, પરંતુ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધ્યું છે. કોડીનારમાં સતત ભાજપના ઉમેદવારો જીતતા આવ્યા છે, ત્યારે આ ગૌરવ લાંબા સમય બાદ કોડીનારને મળ્યો છે, જે સમગ્ર નગરજનો માટે વિશેષ આનંદનો અવસર છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા કોડીનાર તાલુકાને આજે બીજી ભેટ ડો. પ્રદ્યુમન વાજાને મંત્રીમંડળમાં સમાવીને આપવામાં આવી છે. પહેલી ભેટ કોડીનારની સુગર મીલ શરૂ કરવા માટે જે મહેનત કરી છે તે છે, તેના માટે પણ અમે તેમના આભારી છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં જ્યારે સુગર મીલ શરૂ થવા જઈ રહી છે, ત્યારે કોડીનાર ભાજપ વતી અને સમગ્ર તાલુકાના ખેડૂતો વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સુગર મિલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ પણ આપવામાં આવશે, અને એવી આશા વ્યક્ત કરી હતી કે વડા પ્રધાન આ ઉદ્ઘાટન સમારોહમાં જરૂર હાજરી આપશે.

મંત્રીમંડળમાં ડો. પ્રદ્યુમન વાજાનો સમાવેશ થતાં વિકાસની નવી આશાઓ સાથે કોડીનાર તાલુકામાં આ દિવાળીની ઉજવણી બેવડા ઉત્સાહ સાથે શરૂ થઈ ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande