મહેસાણા, 19 ઓક્ટોબર (હિ.સ.): વિસનગર ખાતે ‘માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ’ દ્વારા આ વર્ષે દિવાળી અવસરે અનોખી માનવતાભરી પહેલ હાથ ધરવામાં આવી છે. ટ્રસ્ટે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે શુદ્ધ સાગર ઘીથી બનેલા મોહનથાળનું વ્યાજબી ભાવે વિતરણ શરૂ કર્યું છે, જેથી દરેક પરિવાર તહેવારની મીઠાશ માણી શકે. ખાસ વાત એ છે કે આ વેચાણમાંથી મળનાર નફો સંપૂર્ણપણે વિધવા માતાઓની શ્રવણયાત્રા માટે સમર્પિત કરવામાં આવશે.
ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું કે બજારમાં મીઠાઈના વધતા ભાવને કારણે ઘણા પરિવારો દિવાળીમાં મીઠાઈ ખરીદી શકતા નથી, તેથી આ પહેલથી તેમને તહેવારની ખુશી પહોંચાડવાનો હેતુ છે. સાથે જ વિધવા માતાઓને ધાર્મિક યાત્રાનો આનંદ આપવાનો પણ ઉદ્દેશ્ય છે, જેથી તેઓને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ મળી શકે.
છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ સતત થઈ રહી છે, અને હવે તે વિસનગરની માનવતાભરી દિવાળીની ઓળખ બની ગઈ છે. ટ્રસ્ટ દ્વારા નવેમ્બરમાં અનાથ દીકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન પણ થવાનું છે. ‘માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ’ની આ પહેલ દર્શાવે છે કે તહેવારની સાચી ઉજવણી કોઈના ચહેરા પર સ્મિત લાવવામાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR