પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહ 2025 અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત આયોજનથી વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ બિરલા હોલ પોરબંદર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહીતના મહાનુભવો ઉપસ્થિતિ રહ્યા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલ સતત પ્રયત્નો અંગે વાત કરતા સ્વદેશી અપનાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને એકતાભાવે કામ કરવા જણાવ્યુ હતુ. વધુમાં તેમણે પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ ટૂંકા સમયમાં શહેરમાં હાથ ધરાયેલા લોકકલ્યાણકારી વિકાસકાર્યોની પ્રશંસા કરી હતી.
ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીની શરૂઆત કરી હતી, જેના કારણે શહેરોના આયોજનબદ્ધ અને આધુનિક વિકાસને નવો વેગ મળ્યો છે. સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર છાંયા નગરપાલીકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં ધારાસભ્યએ ગાંધી કોરિડોર, પોરાઈ માતાજી મંદિર, ભોજેશ્વર મંદિર અને સુદામા મંદિર સહિતના ધાર્મિક સ્થળોના વિકાસ માટે ચાલી રહેલા કાર્યોના આયોજનની માહિતી આપી હતી. અને નાગરિકોને પણ સ્વચ્છતા જાળવીને સ્વચ્છતા હિ સેવાના સંકલ્પને સાકાર કરવા પ્રેરણા આપી હતી.
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યએ વિકાસમાં દેશભરમાં અગ્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે જ પોરબંદર જિલ્લાની વિકાસની વાત કરીને કાયદો-સુશાસન અને વિકાસના પગલે નાગરિક સુવિધાઓમાં વધારા સાથે જ મિલકતોના મૂલ્યમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે તેમ જણાવ્યુ હતુ. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ આગામી સમયમાં પોરબંદર શહેરમાં હાથ ધરનાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જાણકારી આપી હતી.
કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સામાન્ય વહીવટ વિભાગ, 15માં નાણાપંચ, નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના રૂ. 292.52 લાખના 29 કામોના લોકાર્પણ અને રૂ. 2472.31લાખના 26 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. તેમજ પોરબંદર મહાનગરપાલિકાની ‘PMC કનેક્ટ’ મોબાઈલ એપ્લિકેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન મારફતે શહેરના નાગરિકો મહાનગરપાલિકાને તેમની સમસ્યાઓ અને ફરિયાદો સરળતાથી જણાવી શકશે.
આ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ અને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક કલેક્ટર જે.બી. વદર, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી તેમજ અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya