ગાંધીનગર, 19 ઓક્ટોબર (હિ.સ.): વડાપ્રધાનના “આત્મનિર્ભર ભારત” ના વિઝનને સાકાર કરવા અને સ્થાનિક હસ્તકલા, સ્વદેશી ઉત્પાદનો તથા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા દશેરાથી દિવાળીના શુભ સમયગાળા દરમિયાન ભવ્ય શોપિંગ અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં, સરદાર ચોક પાસે, પ્રોમીનેન્ટ હોટેલની સામે આવેલ મેદાનમાં ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ વિશાળ ફૂડ અને ક્રાફ્ટ ફેસ્ટિવલમાં રોજબરોજ આશરે ૨૫,૦૦૦ જેટલા નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી, જે શહેરની સાંસ્કૃતિક અને આર્થિક ચેતનાનો જીવંત પુરાવો છે.
ફેસ્ટિવલમાં ફૂડ, હેન્ડીક્રાફ્ટ અને સ્વદેશી ઉત્પાદનોના ૭૦ જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા, જેઓ નાગરિકો માટે મુખ્ય આકર્ષણ બન્યા હતા. આ સ્ટોલધારકો દ્વારા લાખો રૂપિયાનું વેચાણ થવાથી નાના વેપારીઓને આર્થિક મજબૂતી મળી છે.
કાર્યક્રમની શોભા વધારવા માટે જાણીતા કલાકારો જેમ કે હેરી નકુમ અને યશ સોનીએ ઉપસ્થિતિ આપી અને જીવંત કાર્યક્રમો દ્વારા લોકોનું મન મોહી લીધું.
તે ઉપરાંત રામ સખા મંડળ, હેરીટેજ હાર્મોની બેન્ડ, રાગા બેન્ડ, આણલદે નાટક, તેમજ લોકપ્રિય કલાકાર ભીખુદાન ગઢવીની લોકડાયરા જેવી વિવિધ કલાત્મક પ્રસ્તુતિઓએ ઉપસ્થિત જનસમુદાયને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ ફેસ્ટિવલ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કલાકારો તથા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળ્યું છે અને ગાંધીનગર શહેરમાં ઉત્સવી ઉજવણીનો નવો ઉલ્લાસ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ