
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન ક્ષેત્રના એક ગામમાં વહેલી સવારે ભેંસ દોહતી મહિલાને ગામના પ્રવિણજી ઠાકોરે ખરાબ કામ કરવાની માંગણી કરતાં ધમકાવી હતી. મહિલાએ ઇનકાર કરતાં પ્રવિણજીએ હાથમાં રહેલી છરી બતાવી તેને ભયભીત કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલા બૂમાબૂમ કરતાં જ પ્રવિણજીના પિતા ભોપાજી રાયચંદજી ઠાકોર ધારીયું લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. ભોપાજીએ ધારીયું ઊંધું મારી મહિલાને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે પ્રવિણજીએ ઝપાઝપી દરમિયાન તેના કપડા ફાડી નાખ્યા અને બંનેએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર બનાવ અંગે મહિલાએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ—પ્રવિણજી ભોપાજી ઠાકોર અને ભોપાજી રાયચંદજી ઠાકોર—વિરુદ્ધ BNSSની કલમ 74, 76, 115(2), 296(b), 351(3), 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમ (GPA)ની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ