
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.)પાટણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ 16 નવેમ્બર 2025ના રોજ સમી સ્થિત UGVCL કચેરીમાં ટ્રેપ ગોઠવીને જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર શૈલેષભાઈ પટેલને ₹50,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો. તેઓ વર્ગ-2ના અધિકારી અને વડોદરાના સાનિધ્ય પાર્ક, વાઘોડિયા રોડના રહેવાસી છે.
આરોપી એન્જિનિયરે ફરિયાદીના ખેતરમાં વીજ જોડાણ આપવા બદલ ગેરકાયદે ₹50,000ની માંગણી કરી હતી. લાંચ આપવા ઇચ્છુક ન હોય, ફરિયાદીએ પાટણ ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી, જેના આધારે ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું.
એસીબીની ટીમે કાર્યવાહી દરમિયાન ચિંતન કુમાર પટેલને લાંચની રકમ સ્વીકારતા જ પકડી પાડ્યા. પીઆઈ એમ.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ સફળ ટ્રેપ હાથ ધરાયો હતો અને હાલમાં આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ