
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા સહકારી સંઘ દ્વારા ૭૨મા સહકાર સપ્તાહનો પ્રારંભ હારીજ માર્કેટ યાર્ડ ખાતે ધ્વજવંદન સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા સ્તરના અનેક સહકારી આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સંઘના ચેરમેન સુરેશભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, જ્યારે એ.પી.એમ.સી. હારીજના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે જોડાયા હતા. સુરેશભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના અનુસંધાનમાં સહકાર સપ્તાહના મહત્વ વિશે ભાષણ આપ્યું અને તાલુકા સ્તરે ઉજવણી કરવાની નવી પહેલ અંગે માહિતી આપી.
સંઘના ડિરેક્ટર હરિભાઈ પટેલે જણાવ્યું કે આઝાદી બાદ દેશને આત્મનિર્ભર બનાવવા સહકારી પ્રણાલી અત્યંત સશક્ત સાધન બની છે. તેમણે અમૂલ અને ઇફ્કો જેવી વૈશ્વિક સહકારી સંસ્થાઓની સિદ્ધિઓની પ્રશંસા કરી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકાર મંત્રાલય રચી સહકાર ક્ષેત્રને મજબૂત બનાવ્યું હોવાનું જણાવ્યું.
કાર્યક્રમનું સંચાલન રાજ્ય સંઘના સી.આઈ. દેવરાજભાઈ ચૌધરીએ કર્યું હતું. હારીજ માર્કેટ યાર્ડના ચેરમેન, ડિરેક્ટર્સ, કર્મચારીઓ તેમજ જિલ્લા સંઘના ઉપાધ્યક્ષ અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતે સંઘના મેનેજર ભરતભાઈ રાજપુરોહિતે આભારવિધી કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ